– એક વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ
– બોગસ પાવર ઓફ એટર્ની કરી હોવાના પુરાવા સાથે રજૂઆત બાદ ઘટસ્ફોટ
નડિયાદ : નડિયાદના ટુંડેલ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા જમીન વેચી નાખવામાં આવી હતી. આ મામલે એક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ટુંડા ગામના સર્વે/બ્લોક નં. ૬૨૬/૩, ખાતા નં. ૧૫૦૫ વાળી જમીનમાં બાપુજી કાળીદાસ, કાશી છોટા અને રામબાઇ દેસાઇભાઇના નામથી ચાલતી હતી. રામાભાઇ દેસાઇભાઇના અવસાન બાદ ૨૦૨૧માં તેમના વારસદાર રાજેશભાઇ રામાભાઇ પરમાર,જશીબેન રામાભાઈ પરમાર (વિધવા) અને મીનાબેન રામાભાઈ પરમારના નામ દાખલ થયા હતા. આ જમીન ૨૦૨૨માં રાજેશ રામા પરમારે વેચી નાખી હતી. નડિયાદ સબ રજિસ્ટારે કચેરીમાં વેચાણ લેખ કરી આપ્યો હતો. આ વેચાણ વખતે રાજેશ રામા પરમારે જમીનના અન્ય ત્રણ સહ -હિસ્સેદારોના નામની બોગસ પાવર ઓફ એટર્ની રજૂ કરીને જીગ્નેશ મનસુખ પટેલને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.
વસોના પીજમાં રહેતા આશિષકુમાર મહેન્દ્રબાઇ શાહને આ વેચાણ દસ્તાવેજમાં રજૂ કરાયેલી પાવર ઓફ એટર્ની ખોટી હોવાની શંકા ગઇ હતી.તેમણે ૨ માર્ચે ૨૦૨૪ના રોજ એસઆઇટીમાં અરજી કરીને બાપુજી કાળીદાસ અને કાશીભાઇ છોટાભાઇ પરમારના ખોટા પાવર બનાવવામાં આવ્યા હોવાની રજૂઆત કરીને પુરાવા પણ રજૂ કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ કે, રાજેશ રામા પરમારે જમીનના અન્ય ત્રણ સહ- હિસ્સેદારોની ખોટી પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કર્યો હતો. આથી એસઆઇટી દ્વારા નડિયાદ સબ રજિસ્ટારને પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંદાને વસો પોલીસે નડિયાદ સબ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે રાજેશ રામા પરમાર સામે ફરિયાદ નોંધાઇ છે.