– ગંભીર અકસ્માત પૂર્વે પગલા ભરવા જરૂરી
– વાંઢ ગામ નજીક પથ્થર ભરેલ ટ્રક પલ્ટી મારી જતા કલાકો સુધી ગામનો માર્ગ બંધ
રાજુલા : જાફરાબાદના ભાકોદર ગામ નજીક જેટી બનાવવા રાજુલા ધાતરવડી ડેમ નજીક ભરડીયામાં બ્લાસ્ટ કરી પથ્થરો ટ્રકમાં ઓવરલોડ ભરી હેરફેર કરાઇ રહી હોય ટ્રક પલ્ટી મારવાના બનાવો વધી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલા ભરવા માંગ ઉઠી છે.
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ નજીક આવેલ મહાકાય ક્વોરી લિઝ ભરડીયાઓ રાત દિવસ ધમધમી રહ્યા છે. હેવી બ્લાસ્ટ કરી મહાકાય મોટા પથ્થરો કાઢવામાં આવે છે. આ પથ્થરો જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ શ્વાન એનર્જી કંપની દ્વારા જેટી બનાવવા માટેની કામગીરીમાં ટ્રકો ઓવરલોડિંગ ભરી ભરી છેલ્લા ૪ વર્ષ કરતા વધુ સમયથી પથરો ઠાલવવાની કામગીરી ચાલી રહી છે જે ટ્રકોમાં અતિ જોખમી રીતે મોટા પથરો ગેરકાયદેસર રીતે ટ્રક ચાલકો ભરી ભરી હેરાફેરી કરી રહ્યા છે. ભારે પથરના કારણે ટ્રકો પલટી મારી જવાના બનાવો વધી રહ્યા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ ઉઠવા પામ્યો છે. તાજેતરમાં વધુ એક ટ્રક જાફરાબાદ તાલુકાના વાંઢ ગામથી વરાસ્વરૂપ જવાના માર્ગે પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતા અફડા તફડી મચી હતી. કલાકો સુધી માર્ગ ગામડાનો બંધ રહેતા લોકો વધુ પરેશાન થયા હતાં.