– વસો ચોકડી પાસે બાઇક અને કાર ચાલકો વચ્ચે તકરાર
– બાઇક પર સવાર યુવકોએ કાર ચાલક યુવક સાથે બોલાચાલી કરીને મારમારતા 3 સામે ફરિયાદ
નડિયાદ : વસો ચોકડી પાસે શુક્રવારે સાંજે બાઇક અને કાર ચાલકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. આ મામલે વસો તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયદીપ પરમાર સહિત ત્રણ શખ્સોએ યુવકને મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વસો તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત ત્રણ વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ છે.
વસોના રામપુર ગામના દેવ નૈનેશ કુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યુ કે, પોતાની કાર લઇને વસો ગામમાં જવાના રસ્તા પરથી પસાર થતાં હતા. દરમિયાન ડિવાઇડર પાસે બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલા શખ્સ રોંગ સાઇડમાં પર આવીને તેમની કાર સામે અચાનક આવી ગયા હતા. દેવ પટેલે તાત્કાલિક બ્રેક મારતા અકસ્માત ટળ્યો હતો. પરંતુ આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. વસોના અલિન્દ્રાના પાર્થ પટેલે પોતાના સાગરિતો સાથે મળી દેવ પટેલની કાર આડી ઉભી રાખીને ગાળો આપી હતી. બાઇકની પાછળ બેઠેલા ઇશ્કેરાઇને કારની બારીમાંથી નાખી દેવ પટેલને મુક્કા માર્યા હતા. દરમિયાન સામેની સાઇડથી કારમાંથી ઉતરેલા વસો તાલુકા ભાજપ યુવા મોરચના પ્રમુખ જયદીપ રમેશભાઇ પરમારે આ શખ્સોનો પક્ષ લઇને દેવ પટેલને કોઇ પણ પ્રશ્ર પૂછ્યા વગર તેમની જમણી આંખ પર મુક્કા માર્યા હતા. તેમણે પોતાનો રોફ જમાવવા માટે અસામાજિક તત્વોને સાથ આપીને દેવ પટેલને માર મારતા ગંભીર ઇજા થઇ હતી.
આ ઘટનામાં દેવ પટેલને વસોની પ્રાથમિક સારવાર લીધા બાદ નડિયાદની નેત્રમ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ ગયા હતા. આ મામલે પોલીસે જયદિપ પરમાર, પાર્થ પટેલ સહિત ત્રણ વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ છે.
સમગ્ર વિસ્તારમાં પાર્થ પટેલ ખૌફ ઉભો કરતો હોવાનો લોકોનો આક્ષેપ
મૂળ વસોના અલિન્દ્રા ગામના પાર્થ પટેલ વસો ચોકડીથી માંડી તાલુકાના આસપાસના અનેક ગામોમાં લોકો સાથે બિનજરૂરી ઘર્ષણ કરતો હોવાથી અને નશાના હાલતમાં વારંવાર લોકો સાથે મારામારી કરતો હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. પાર્થ પટેલ આ જ રીતે લોકોને ટાર્ગેટ કરી પોતાનો રૌફ ઉભો કરતો હોવાનું પણ સ્થાનિકો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
ભાજપ યુવા પ્રમુખે ફરિયાદીના માતા-પિતાને ધમકાવ્યા
ઘટના બાદ વસો ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયદીપ પરમારે ફરિયાદી દેવ પટેલના ઘરે ગયો હતો અને તેમના માતા-પિતાને ધમકાવ્યા હતા. જો આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તો જોઇ લેવાની ધમકી આપી હતી. આ ધમકીથી પરિવારમાં ભય ફેલાયો છે.