વડોદરાઃ સાયબર ક્રાઈમને અંજામ આપનારાઓ લોકોના ખિસ્સા હળવા કરવા માટે જાત જાતની તરકીબો અપનાવતા હોય છે.થોડા સમય પહેલા લોકોને પોલીસ, સીબીઆઈ જેવી એજન્સીઓના નામે ડિજિટલ અરેસ્ટ કરાતા હતા.
હવે વડોદરાની એક મહિલાની સાથે ડેટા પ્રોટેક્શન ઓફિસરના નામે કોલ કરીને છેતરપિંડી નો પ્રયાસ સાઈબર ગુનેગારોએ કર્યો છે.આ મહિલાને પશ્ચિમ બંગાળના મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારાએ કહ્યું હતું કે, હું ડેટા પ્રોટેક્શન ઓફિસર બોલું છું.તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે.આટલું સાંભળતા જ મહિલાએ ફોન કાપી નાંખ્યો હતો.
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરનું કહેવું છે કે, એક વર્ષ પહેલા સાયબર ક્રાઈમ અંગેના એક અવેરનેસ પ્રોગ્રામમાં આ મહિલા મને મળ્યા હતા અને મારો નંબર લીધો હતો.તેમણે મને ફોન કરીને ઉપરોક્ત બાબત અંગે જાણ કરી હતી.મને તરત ખ્યાલ આવી ગયો હતો કે, મહિલાની ઠગાઈ કરવા આ કોલ કરાયો છે.એટલે મેં તેમને સાઈબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર પર ફરિયાદ કરવાની સલાહ આપી હતી.આ મહિલાએ સતર્કતા વાપરી હોવાથી તેઓ બચી ગયા હતા.સરકારમાં ડેટા પ્રોટેકશન ઓફિસર જેવી કોઈ પોસ્ટ જ નથી.
સાયબર એક્સપર્ટના કહેવા પ્રમાણે ઘણી વખત ફોન રિસિવ કરનાર ગભરાઈને ફોન પર કેસ પતાવવા માટે તૈયાર થઈ જાય છે.એ પછી ફોન કરનાર ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી દંડની રકમના નામે પેમેન્ટ કરાવવાની ફરજ પાડે છે.એટલે અજાણ્યા નબર પરથી કોલ આવે અને ગમે તેવી ધાક ધમકી આપે તો પણ તેના કહેવા પર પોતાના પાનકાર્ડ, આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટની જાણકારી, પાસપોર્ટ સાઈઝ ફોટો ત્રાહીત વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં.