વડોદરાઃ ઈમારતોના બાંધકામમાં રેતી, સિમેન્ટ, ઈંટો, કપચીની સાથે સ્ટીલ પાયાની જરુરિયાત છે.જોકે બાંધકામમાં વપરાતા સ્ટીલને અમુક વર્ષો બાદ કાટ લાગવાનું જોખમ હોય છે અને તેનાથી સરવાળે બાંધકામ નબળું પડવા માંડે છે. આ સમસ્યાના ઈકો ફ્રેન્ડલી ઉકેલ તરીકે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ મિકેનિક્સ એન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ બાંધકામમાં સ્ટીલની જગ્યાએ બામ્બૂ એટલે કે વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો કર્યો છે.
વિભાગના હેડ પ્રો.જે ડી રાઠોડના હાથ નીચે પીએચડી કરી રહેલા જૈમિન શાહે વર્કશોપમાં તૈયાર કરેલા મોડેલના બાંધકામમાં સ્ટીલની જગ્યાએ વાંસ વાપર્યું હતું.કોન્ક્રિટ સાથે વાંસ બરાબર જોડાઈ રહે તે માટે અમે પહેલા વાંસ પર ઈપોક્સીનું કોટિંગ કર્યું હતું.બંને પ્રકારના બાંધકામની મજબૂતાઈની બાદમાં ચકાસણી કરવામાં આવી હતી.
પ્રો.રાઠોડ કહે છે કે, વાંસનો ઉપયોગ કરીને બનાવાયેલા માળખાની મજબૂતાઈ સ્ટીલના માળખા જેટલી જ જોવા મળી હતી.આ વાંસ અમે રાજપીપળાના જંગલમાંથી મંગાવ્યા હતા.બાંધકામમાં વાંસનો ઉપયોગ એક માળના લો કોસ્ટ હાઉસિંગ એટલે કે ઓછી કિંમતવાળા મકાનો માટે આદર્શ પૂરવાર થાય તેમ છે. સ્ટીલની જગ્યાએ તેનો ઉપયોગ બાંધકામના ખર્ચમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો કરી શકે છે તેવું અમારુ અનુમાન છે.
વર્કશોપમાં થયેલા સફળ અખતરા બાદ હવે ડો.રાઠોડ અને જૈમિન શાહે તેની પેટન્ટ મેળવવા માટે પણ અરજી કરી છે.ઉપરાંત તેને લગતું રિસર્ચ પેપર પણ પ્રકાશિત થનાર છે.
બાંધકામમાં વાંસનો ઉપયોગ કરવાના ફાયદા
–વાંસનો ઉછેર આસાન છે.વાંસની વૃધ્ધિ પણ ઝડપથી થાય છે અને નવો પ્લાન્ટ પણ ઝડપથી ઉગે છે.આમ તે રિન્યૂએબલ રિસોર્ક છે.
–સ્ટીલનો ઉપયોગ ઘટે તો સ્વાભાવિક રીતે કાર્બન ફૂટ પ્રિન્ટમાં પણ ઘટાડો થાય છે
— સ્ટીલ કરતા વાંસ ઘણો સસ્તો છે.સ્ટીલ સાથે રિઈન્ફોર્સ્ડ કોંક્રિટ માટે દરેક ચોરસ મીટર દીઠ લગભગ ૨૪૦૦ રુપિયાનો ખર્ચ થાય છે.જ્યારે વાંસનો ઉપયોગ કરીને બાંધકામમાં વપરાતા રિઈન્ફોર્સ્ડ કોંક્રિટનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર માત્ર ૩૦૦ રુપિયા આવે છે.આમ વાંસનો ઉપયોગ સ્ટીલ કરતા ૮ ગણો સસ્તો પડે છે.