સુનામીની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી
પેટ્રો પેવલોવસ્ક અને કામાત્સ્કી શહેરોમાં સૌથી વધુ અસર પેસિફિક તટ પર રહેલાં આ બંને શહેરો પર મોજાં ફરી વળ્યા
નવીદિલ્હી: રશિયાના છેક ઉત્તર પૂર્વના છેડે રહેલા કામાત્સ્કી દ્વિપકલ્પમાં રવિવારે એક જ કલાકમાં ધરતીકંપના પાંચ-પાંચ આંચકા આવ્યા તે પૈકી એક તો ૭.૪ મેગ્નીટયુડનો હોવાથી આસપાસના વિસ્તારોને સુનામીની પણ ચેતવણી આપી દેવી પડી હતી. આ ધરતીકંપ માત્ર ૧૦ કિ.મી.ની જ ઊંડાઈએ થયો હોવાથી તેની અસર પણ ઘણી ગંભીર હતી.
પહેલાં તો જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સીઝે આ ભૂકંપ ૬.૭ અંકનો જ હોવાનું જણાવ્યું હતું પરંતુ પછીથી યુરોપિયન-મેડીટરેનીયન સીસ્મોલોજીકલ સેન્ટર (ઈએમએસસી) અને યુએસ જીયોલોજિકલ સર્વે (યુ.એસ.જી.એસ.)એ પછીથી જણાવ્યું હતું કે તે ભૂકંપ ૭.૪ મેગ્નીટયુડનો હતો. આ વિજ્ઞાાન સંસ્થાએ પછીથી જણાવ્યું કે કુલ તો પાંચ ભૂકંપ આવ્યા હતા. જે ૧૦ કિ.મી.ની ઊંડાઈથી શરૂ થયા હતા.
બીજા બધા ભૂકંપોને લીધે તો સુનામી-વોર્નિંગ ન અપાઈ પરંતુ ત્રીજો ભૂકંપ જે ૭.૪નો થયો તે પછી સુનામી ચેતવણી જાહેર કરી દેવાઈ હતી. ગ્રીનીચ મીરીડીયન ટાઈમ અંગે તે સવારે ૮.૪૯ વાગે થયો હતો. ત્યારે યુએસજીએસ દ્વારા ભારે સુનામી મોજાં જાગવાની ચેતવણી અપાઈ હતી. અને પેસિફિકમાં ૩૦૦ કિ.મી. (૧૮૬ માઈલ) સુધી પસાર થતી સ્ટીમરોને એલર્ટ કરી દેવાઈ હતી પરંતુ કેટલાંક સમય પછી પાછી ખેંચી લેવામાં આવી. સદ્ભાગ્યે કોઈ સુનામી જાગ્યાં ન હતાં. આ ૭.૪નો ભૂકંપ નોંધાયો ત્યારે અમેરિકી ભૂવિજ્ઞાાન સંસ્થાએ અમેરિકાના હવાઈ ટાપુઓને પણ સુનામીની ચેતવણી આપી હતી.
– એક કલાકમાં આ પ્રમાણે ભૂકંપ થયા
૧) પહેલો ભૂકંપ : ૬.૬ અંકનો પેટ્રોપવલોવસ્ક-અને કામાત્સ્કી શહેરો વચ્ચે આવ્યો હતો તેવું તેનાથી ૧૪૭ કિ.મી. દૂર પૂર્વમાં
૨) બીજો ભૂકંપ : ૬.૭ અંકનો, તે બંને શહેરોથી ૧૫૧ કિ.મી. દૂર પૂર્વમાં આવ્યો.
૩) ત્રીજો ભૂકંપ : ૭.૪નો પેટ્રોપવલોવસ્ક-કામાત્સ્કીથી ૧૪૪ કિ.મી. પૂર્વમાં આવ્યો.
૪) ચોથો ભૂકંપ : ૬.૭ અંક પેટ્રોવલોવસ્ક-કામાત્સ્કીથી ૧૩૦ કિ.મી. પૂર્વમાં આવ્યો.
૫) પાંચમો ભૂકંપ : ૭ અંક : તે પણ આ બંને શહેરોથી ૧૩૦ કિ.મી. પૂર્વમાં આવ્યો હતો.