
સોમાતળાવ પાસેની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહીશો વરસાદી કાંસમાં ગંદકીને લઈ પરેશાન
ડભોઇ રોડ સોમા તળાવ નજીક આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહીશો પાછલા ઘણા વર્ષોથી વરસાદી કાંસમાં ગંદકીને લઈને પરેશાન છે. આજે રહીશોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી જણાવ્યું હતું કે, અહીંથી પસાર થતી વરસાદી કાંસમાં સફાઈ થઈ રહી નથી, જેથી વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોય લોકોએ મોઢે રૂમાલ બાંધી અવરજવર કરવી પડે છે, 12 મીટરની કાંસ સાંકળી થઈ જતા પાણી બેક મારી રહ્યું છે, અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી
વાડીમાં બંધ સરકારી શાળાને કચરાનો પોઇન્ટ બનાવતા વિસ્તારમાં દુર્ગંધથી હોબાળો
વોર્ડ નં. 14માં સમાવિષ્ટ વાડી મોગલવાડા ખાતેની બંધ સરકારી શાળામાં કોર્પોરેશનએ કચરાનો પોઇન્ટ ફાળવતા સફાઈ સેવકો ત્યાં કચરો નાખી રહ્યા છે. જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા રહીશોએ આજે એકત્ર થઈ અહીંથી કચરાનો પોઇન્ટ હટાવવાની માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું હતું કે, ગંદકીના કારણે વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ છે, તંત્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે, 25 થી વધુ વખત આ અંગે અરજી કરી છે.
ગોત્રી ચારરસ્તા પાસે ડ્રેનેજના દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળે તો રોગચાળાનો ભય
વોર્ડ નં. 10 માં સમાવિષ્ટ ગોત્રી ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર પાછલા 10 દિવસથી ડ્રેનેજના પાણી માર્ગ ઉપર ઉભરાઈ રહ્યા હોય લોકોને તેમાંથી પસાર થવાની નોબત આવી છે. સ્થાનિક આગેવાનનું કહેવું હતું કે, ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે તે સ્થળે જ પાણીનો વાલ્વ છે, જો ડ્રેનેજના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે, જેથી તંત્રએ તકેદારી રાખી વહેલી તકે ડ્રેનેજના ઉભરાતા પાણી બંધ કરવા જોઈએ.
સેવાસી કેનાલ રોડ પર ઉભરાતી ડ્રેનેજથી સ્થાનિક રહીશો પરેશાન
વોર્ડ 9 માં સેવાસી કેનાલ રોડ પર આવેલ પીએમ આવાસ યોજનામાં પાછલા ત્રણ મહિનાથી ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા છે. ડ્રેનેજના પાણી માર્ગ ઉપર ફરી વળતા દુર્ગંધ સાથે ગંદકી ફેલાઈ રહી છે, અને લોકોને દૂષિત પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે, અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ આવી રહ્યું નથી, સ્થાનિકોએ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.
વેમાલીમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધા મુદ્દે કોંગ્રેસ અને સામાજિક કાર્યકર્તાએ સ્થાનિક રહીશોને સાથે રાખી ધરણા યોજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે બંને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સ્થાનિક રહીશોનું કહેવું હતું કે, અહીં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તાની પૂરતી સુવિધા નથી, પીવાનું પાણી કાળાશ પડતું આવી રહ્યું છે, જેના કારણે બાળકોમાં બીમારીનો વાવર છે, વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
વુડા આવાસ યોજનામાં ગંદકીથી ત્રસ્ત રહીશોએ જાતે સફાઈનું બીડું ઉપાડ્યું
વોર્ડ નં.11 માં સમાવિષ્ટ વડનગર વુડા આવાસ યોજના ખાતે ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા હોય વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, તંત્રને અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી જાતે સફાઈનું બીડું ઉપાડી કામગીરી શરૂ કરી હતી, રહીશોનું કહેવું હતું કે, આવાસો હલકી ગુણવત્તાના ફાળવી દીધા છે, હવે પ્રાથમિક સુવિધા પણ મળી રહી નથી, નેતા અધિકારી સ્થળ પર ફરકવા તૈયાર નથી, વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે.