Surat : સુરત પાલિકા વિસ્તારમાં રહેતા ગરીબ વિદ્યાર્થીઓને વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ મળે તે માટે સુરત શિક્ષણ સમિતિ દ્વારા 380 જેટલા શાળા ચાલી રહી છે. પરંતુ આગામી દિવસોમાં શિક્ષણ સમિતિ માટે નવા સાત ભવન બનવા જઈ રહ્યાં છે. રવિવારે કેન્દ્રીય મંત્રીના હસ્તે 35.47 કરોડના ખર્ચે સાકાર થનારા પ્રાથમિક શાળાના 7 ભવન નું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. આ સાત ભવનમાં 203 વર્ગખંડ બનશે. જોકે, હાલમાં સમિતિમાં જે ભવન છે તેમાં જ 770 જેટલા શિક્ષકોની ઘટ છે તો નવા સાત ભવન બન્યા બાદ આ ઘટ ઘણી વધી જશે તે નક્કી છે.
સુરત પાલિકા વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત 35.47 કરોડના ખર્ચે વિવિધ ઝોનમાં સાત શાળા ભવન બનવા જઈ રહ્યાં છે. આ માટે આજે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ખાત મુર્હુત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે કહ્યું હતું, તેઓએ પોતે પણ જિલ્લા શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ મેળવેલ છે. સુરત મહાનગરપાલિકાએ વિધાર્થીઓના શિક્ષણને ઘ્યાને રાખી સુમન શાળામાં ધોરણ 8 થી ધોરણ 12 અભ્યાસ કરાવતી એકમાત્ર મહાનગરપાલિકા છે. સુરત મહાનગરપાલિકાની શાળામાં પુરતા શિક્ષકો આપવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની શાળામાં ભણીને વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ પ્રગતિ કરશે. આ સાત શાળામાં દસ હજાર કરતાં વધુ બાળકોને શિક્ષણ મળે તેમ પણ જણાવ્યું હતું.
સુરત પાલિકા અને સરકાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ભવન બનાવે છે પરંતુ તેમને શિક્ષણ આપવા માટે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આયોજન કરતી નથી. હાલમાં 1.90 લાખ વિદ્યાર્થીઓ છે તેમાં જ્ઞાન સહાયક અને વિદ્યાસહાયક 700 કરતાં વધુ લીધા છે તેમ છતાં પણ હજી 770 શિક્ષકોની ઘટ છે. પાલિકા વધુ સાત ભવન બનાવી રહી છે અને તે શુર થતાં આ શિક્ષકોની ઘટ પણ વધી જશે જેના કારણે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.
આ વિસ્તારમાં બનશે નવી પાલિકાની શાળા
- સાઉથ ઝોન-બી (કનકપુર) માં શાળા નં- 367 પારડી કણદે શાળાના નવીન 30 ક્લાસ રૂમ
- લિંબાયત ઝોનમાં પ્લોટ નં. 162, ટી.પી. 41, ખોડલ કૃપા સોસાયટી, સ્વસ્તિક સ્કવેર બિલ્ડીંગ સામે, નવાગામ શાકમાર્કેટ પાસે શાળા નં-195-102 શાળાના 41 નવા ક્લાસરૂમ
- લિંબાયત ઝોન માં પ્લોટ નં.135, ટી.પી. 40, જ્ઞાનસાગર વિધાલય પાસે, શિવ પૂજાન એપાર્ટમેન્ટ પાસે, વૃંદાવન સોસાયટી પાસે, શાળા નં- 63 શાળાના નવીન 30 ક્લાસરૂમ
- વરાછા ઝોન-એ સણીયા હેમાદ, નિશાળ ફળિયું, પાણીની ટાંકી પાસે શાળા નં-375 શાળાના નવા 16 ક્લાસ રૂમ
- રાંદેર ઝોનમાં ફા.પ્લોટ નં. 173, ટી.પી. 14(પાલ) પાલ ગામમાં શાળા નં 319 શાળાના નવીન 16 ક્લાસ રૂમ
- વરાછા ઝોન-બીમાં શાળા નં-381 વાલકમાં શાળાના નવા 16 ક્લાસરૂમ
- વરાછા ઝોન-એ માં આવેલી બોમ્બે કોલોનીની બાજુમાં, કાપોદ્રા ચાર રસ્તા પાસે શાળા નં-94 અને 96 શાળાના નવા 54 ક્લાસ રૂમ