image : Social media
Vadodara : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શનિવારના રોજ “નો બેગ ડે” જાહેર થતાં શાળાઓએ ઇતર અને રમતગમતની પ્રવૃત્તિઓ વધારી છે, પરંતુ આ નિર્ણય વાલીઓ માટે આર્થિક બોજ સમાન બની રહ્યો છે. થોડા સમય પહેલાં રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને શનિવારે અભ્યાસ કરાવવાને બદલે રમતગમત અને અન્ય ઇતર પ્રવૃત્તિઓ કરાવવાની સૂચના આપી હતી.
શરુઆતમાં કેટલીક શાળાઓએ “નો બેગ ડે”નો અમલ ન કરતાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તેમને તાકીદ કરી હતી અને રાજ્ય સરકારની સૂચનાનું પાલન કરવા જણાવ્યું હતું. જોકે, હાલ વરસાદી માહોલ હોવાથી શાળાના ગ્રાઉન્ડમાં રમતગમતની પ્રવૃત્તિઓ શક્ય બની રહી નથી. જેના પગલે, શાળાઓએ વર્ગખંડમાં જ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાનું શરુ કર્યું છે.
આ પ્રવૃત્તિઓ માટે કેટલીક શાળાઓએ વાલીઓ પાસેથી જથ્થાબંધ સ્ટેશનરીનો સામાન મંગાવી લીધો છે, જાણે કે આગામી છ મહિના સુધી તેની જરૂર પડવાની હોય. આના કારણે વાલીઓ પર અણધાર્યું આર્થિક ભારણ આવી પડ્યું છે. “નો બેગ ડે”નો મૂળ હેતુ વિદ્યાર્થીઓ પરથી ભણતરનો બોજ ઘટાડવાનો હતો, પરંતુ હાલની સ્થિતિ જોતાં લાગે છે કે આ નિર્ણય વાલીઓના ખિસ્સા પર બોજ વધારી રહ્યો છે.