Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન તથા ભારત કેર્સ-SMCના સહયોગથી વોર્ડ નં.17 ની ગ્રીન પાર્ક સોસાયટી ખાતે એરોબિક બાયો-કમ્પોસ્ટિંગ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે.
આ પ્રોજેક્ટ પરિશ્રમ સેલ્ફ હેલ્પ ગ્રૂપની સખી મંડળના બહેનો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેઓ દ્વારા દરરોજ સોસાયટીમાંથી ઉત્પન્ન થતો ભીનો કચરો-જેમ કે શાકભાજી, ફળો-ફૂલો વગેરે એકત્રિત કરીને ખાસ ડિઝાઇન કરેલા ડ્રમમાં મિક્ષ કરે છે અને તેને 1થી 2 અઠવાડિયા સુધી ડીકમ્પોઝ થવા માટે મુકવામાં આવે છે. ડીકમ્પોઝ પ્રક્રિયા બાદ મળતી ઉત્તમ ગુણવત્તાવાળું ખાતર રહીશોને ગાર્ડનીંગ માટે આપવામાં આવે છે. મે થી જુલાઈ 2025 દરમ્યાન પરિશ્રમ સખી મંડળના પ્રયાસો દ્વારા અંદાજે 4800 કિલોગ્રામ ભીનો કચરો લેન્ડફિલ પર જતા અટકાવાયો છે. આ પગલાથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા, જમીનની ફળદ્રુપતા વધારવા અને પર્યાવરણને શુદ્ધ રાખવા માટે પણ સક્રિય યોગદાન મળે છે. આ પ્રોજેક્ટના અમલીકરણમાં વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ-17ની ટીમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ શાખાનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે.