Vadodara Crime : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં ગઈકાલે વિદેશી વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી છૂટાહાથની મારામારી અને દંડાબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ હિંસક અથડામણમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાંજે ખાનગી યુનિવર્સિટી પરિસરમાં વિદેશી વિદ્યાર્થીઓના બે જૂથ કોઈ બાબતે સામસામે આવી ગયા હતા. વાત વણસતા બંને જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી અને દંડાબાજી પણ થઈ હતી, જેના કારણે યુનિવર્સિટીમાં ભાગદોડ મચી ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ એકબીજાને માર મારી રહ્યા છે અને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર મારી નીચે પાડી દીધો હતો.
આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ આશ્ચર્યજનક ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે.