Former CM of Kerala VS Achuthanandan Passes Away : કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એ.અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમને ગયા મહિને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની હાલત ગંભીર હતી. તેમના નિધનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.
અચ્યુતાનંદન 2006માં CM બન્યા હતા
અચ્યુતાનંદન કેરળના એક ખૂબ જ આદરણીય અને વરિષ્ઠ સામ્યવાદી નેતા હતા. તેઓ ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી (CPI-M) ના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 2006 થી 2011 દરમિયાન કેરળના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ તેમની ઉગ્ર અને અડગ વિચારધારા, ભ્રષ્ટાચાર સામેની લડત અને જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા હતા.
#CPIM Polit Bureau pays homage to Comrade V S Achuthanandan and dips its red banner in salute pic.twitter.com/qZ5n6k0uVu
— CPI (M) (@cpimspeak) July 21, 2025
વિધાનસભામાં સાત વખત ચૂંટાયા
અચ્યુતાનંદન કેરળના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા હતા, જેમણે કામદારોના અધિકારો, જમીન સુધારણા અને સામાજિક ન્યાય માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. તેઓ રાજ્ય વિધાનસભામાં સાત વખત ચૂંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
અચ્યુતાનંદન ઘણા સમયથી બિમાર હતા
તેઓ 2006માં 82 વર્ષની ઉંમરે કેરળની સત્તામાં પરત આવ્યા હતા અને પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ કેટલાક વર્ષોથી જાહેર જીવનથી દૂર હતા અને તિરુવનંતપુરમમાં પુત્રના ઘરે રહેતા હતા. તેઓ ઘણા સમયથી આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમને ગયા મહિને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
તેમના ખાનગી સચિવ એ.જી.શશિધર નાયરે કહ્યું કે, ‘વીએસ એક એવા નેતા હતા, જેઓ ક્યારેય ડરતા ન હતા. જ્યારે પણ તેઓ મુદ્દો ઉઠાવતા, ત્યારે પાર્ટી લાઈનની ચિંતા કરતા ન હતા.’ અચ્યુતાનંદનના નિધન પર અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. પાર્ટી સીપીઆઈ-એમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કૉમરેડ વી.એસ.અચ્યુતાનંદનને શ્રદ્ધાંજલી પાઠવી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.