– સુરેન્દ્રનગરમાં મંડપનો વ્યવસાય કરતા યુવકે
– યુવકને મકાન વેચી વધુ વ્યાજ ચુકવવા ત્રાસ ગુજરી પરિવારને મારી નાખવાની ધમકી આપતા દંપતી સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા યુવકને દપંતિ દ્વારા વધુ રકમ વ્યાજ પેટે માંગી શારીરિક તેમજ માનસીક ત્રાસ આપી ઘર ખાલી કરી વેચી નાંખવાની તેમજ ફરિયાદી સહિત પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી અંગે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુરેન્દ્રનગરમાં ચામુંડા મંડપ સર્વિસનો વ્યવસાય કરતા વિપુલભાઈ ધીરજલાલ રાવલે ધંધાના કામ માટે રોકડ રકમની જરૂરીયાત હોય દાળમીલ રોડ પર દયામયી સ્કુલ સામે રહેતા અને નિવૃત્ત નગરપાલિકાના કર્મચારી મહિપતસિંહ ચૌહાણ પાસેથી વર્ષ ૨૦૦૫થી અત્યાર સુધીમાં કટકે કટકે રૂા.૨૧ લાખ માસીક રૂા.૨ ટકાના વ્યાજે લીધા હતા અને વર્ષ ૨૦૨૨માં હાથ ઉછીના રૂપિયા આપ્યા અંગેનો ફરિયાદી પાસે નોટરી કરાર કરાવ્યો હતો.
જેમાં મહિપતસિંહે રૂા.૨૮ લાખ કટકે કટકે આપ્યા હોવાનું બળજબરીપૂર્વક લખાણ કરાવ્યું હતું અને તે વખતે ફરિયાદીના ખાતાના ૮ કોરા ચેકો સહિઓ સાથે લીધા હતા. ફરિયાદી કુલ વ્યાજે લીધેલા રૂા.૨૧ લાખનું માસીક રૂા.૪૨ હજાર નિયમિત વ્યાજ ચુકવતા હતા તેમ છતાંય મહિપતસિંહ અને તેમના પત્ની નયનાબેન ફરિયાદી પાસે રૂા.૨૮ લાખ વ્યાજ સહિત માંગતા હતા. બીજી બાજુ ફરિયાદીએ વર્ષ ૨૦૦૫થી અત્યાર સુધીમાં વ્યાજે લીધેલ રૂા.૨૧ લાખની સામે રૂા.૬૫ લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં અવાર-નવાર મહિપતસિંહ ફરિયાદીના ઘરે આવી પત્ની તેમજ પરિવારજનોની હાજરીમાં અપશબ્દો બોલી ફરિયાદીને પોતાનું ઘર ખાલી કરી વેચી તેની રકમ ચુકવવાની ધમકી પણ આપતા હતા. તેમજ વ્યાજ સહિત મુળ રકમ આપવામાં નહીં આવે તો ફરિયાદી અને પરિવારના તમામ સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરિક તેમજ માનસીક ત્રાસ ગુજારતા હતા. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો મહિપતસિંહ નાનુભા ચૌહાણ અને નયનાબેન મહિપતસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.