વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન મહિનાાં લેવાયેલી પ્રોફેશનલ( ફાઈનલ) અને એક્ઝિક્યુટિવ( ઈન્ટર) પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે.આ બંને પરીક્ષામાં વડોદરા ચેપ્ટરના પાંચ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે.સીએસ ફાઈનલમાં વડોદરાની ક્ષમા શાહે દેશમાં ૧૫મો અને રેણુકા શર્માએ દેશમાં ૨૦મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.ઈન્ટરમાં પણ ત્રણ સ્ટુડન્ટસને ટોપ-૨૧માં સ્થાન મળ્યું છે.
વડોદરા ચેપ્ટરમાંથી નવા કોર્સ પ્રમાણે ફાઈનલના બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૧૧ વિદ્યાર્થીઓ સફળ થયા છે.ગુ્રપ એકની પરીક્ષા ૨૨ અને ગુ્રપ બેની પરીક્ષા ૧૧ વિદ્યાર્થીઓએ પાસ કરી છે.જ્યારે ઈન્ટર પરીક્ષામાં બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૧૨ વિદ્યાર્થીઓ, ગુ્રપ એકની પરીક્ષા આપનારા ૬૪ અને ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૬૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
વડોદરા ચેપ્ટરના અધ્યક્ષ અલ્પેશ પંચાલે કહ્યું હતું કે, કુલ ૨૦થી વધારે વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી મળી છે.
આકરી મહેનત અને રિવિઝનથી સફળતા મળી
આકરી મહેનત, સાતત્ય અને રિવિઝનના કારણે સફળતા મળી છે.હું સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ કરતી હતી.હાલમાં ટીવાયનો અભ્યાસ કરું છે.બીકોમની ડિગ્રી મળે તે પહેલા સીએસની ડિગ્રી મળી ગઈ છે. પહેલા બીકોમ થઈ ગયા બાદ આગળ શું અભ્યાસ કરવો તે અંગે વિચારીશ.મને પહેલા પ્રયત્નમાં પાસ થવાની આશા હતી પણ ઓલ ઈન્ડિયા રેન્ક આવશે તેવી અપેક્ષા નહોતી.મારા પરિવારમાં કોઈ સીએસ નથી.પિતા વ્યવસાય કરે છે અને માતા ગૃહિણી છે.
ક્ષમા ખુશમન શાહ, સીએસ ફાઈનલ ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫, ૪૧૧ માર્કસ
દેશમાં રેન્કની અપેક્ષા નહોતી, રિઝલ્ટ જોઈને રડી પડી
મને ઓલ ઈન્ડિયા રેન્કની અપેક્ષા જ નહોતી.મારુ પરિણામ જોયું ત્યારે ખુશીથી રડી પડી હતી.સફળતા મેળવવા માટે મેં સખ્ત મહેનત કરી છે.મારા ફોટોગ્રાફીના શોખને પણ ત્યજી દીધો હતો અને રોજ ૧૨ થી ૧૩ કલાક વાંચતી હતી.પરીક્ષાના સાત દિવસ તો હું રોજ ૩ કલાક ઉંઘતી હતી.મારી મોટી બહેન સીએ છે અને તેની પાસેથી પ્રેરણા મળી છે.પિતા ટ્રાન્સપોર્ટેશન કંપનીમાં નોકરી કરે છે.
રેણુકા શર્મા, સીએસ ફાઈનલ, ઓલ ઈન્ડિયા રેન્ક ૨૦, ૪૦૧ માર્કસ
પિતા ખેડૂત છે, રેન્ક આવશે તેવી આશા હતી
હું નડીયાદ રહું છું પણ મેં પરીક્ષા વડોદરાથી આપી હતી.પરીક્ષા માટે મોટાભાગે ઓનલાઈન તૈયારી કરતી હતી અને રોજ ચાર થી પાંચ કલાક વાંચતી હતી.પરીક્ષા વખતે ૧૦ કલાક વાંચતી હતી.મને રેન્ક આવશે તેવી આશા હતી અને તે સાચી પડી છે.મારા પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે.પરિવારમાંથી અત્યાર સુધી કોઈને સીએસની ડિગ્રી મળી નથી.
દીયા જિગ્નેશ પટેલ, સીએસ ઈન્ટર, ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫, ૩૯૪ માર્કસ
પિતા દરજીકામ કરે છે, સીએની સાથે સીએસનો પણ અભ્યાસ
પરિવારે મને સતત સમર્થન આપ્યું છે.હું સીએ અને સીએસ એમ બંને કોર્સમાં અભ્યાસ કરી રહ્યો છુ.સીએ બાદ સીએસની ઈન્ટર પરીક્ષા પહેલા પ્રયાસે પાસ કરી છે.હવે સીએ ફાઈનલની પરીક્ષા આપીશ અને પછી સીએસ ફાઈનલની પરીક્ષા આપીશ.મારા પિતા દરજીકામ કરે છે.હું આણદમાં રહું છું અને વડોદરામાંથી સીએસની પરીક્ષા આપી હતી.
સંકેત ભૂપતભાઈ મકવાણા, સીએસ ઈન્ટર, ઓલ ઈન્ડિયા રેન્ક ૨૧,૩૮૫ માર્કસ