વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા સયાજી હોસ્પિટલની કેન્ટીન, ગોત્રી મેડિકલ કોલેજની બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીન ઉપરાંત શહેરમાં ખાણીપીણીના ધંધાકીય સ્થળો પર ચેકિંગ કરીને મીઠાઇ, ફરસાણ, મસાલા અને પ્રિપેર્ડ ફૂડના નમૂના લીધા હતા.
આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરનાં કારેલીબાગ, રાવપુરા, પ્રતાપનગર, વાડી, ગોત્રી, આર.વી. દેસાઇ રોડ, ગોત્રી-સેવાસી રોડ, વાઘોડિયા રોડ, બરોડા ડેરી સામે, નિઝામપુરા, આજવારોડ, ચોખંડી વગેરે વિસ્તારોમાં રિટેલર, રેસ્ટોરન્ટ, કેટરિંગ સર્વિસની કામગીરી કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. ઉપરાંત સયાજી હોસ્પીટલની કેન્ટીન, ગોત્રી કોલેજની હોસ્ટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટેનું ગૃહ, વગેરે સ્થળે ચેકિંગ કર્યું હતું. જ્યાંથી ધાણાજીરૃ પાવડર, ગરમ મસાલો, મરચા અને ધાણા પાવડર, તેલવાળી તુવેરદાળ, ચણાદાળ, મગદાળ, ઘી, મેથી, કેસર પેંડા, પીસ્તા બરફી, છોલેચણા, બેસન, ચોખા, કપાસિયા તેલ, પ્રિપેર્ડ ફૂડ દેશી ચણાનું શાક, હલવાસન, પનીર પેશાવરી, કેસરી બરફી (લુઝ) તીખીસેવ, કેસરપેંડા, શાહી ગુલાબ બરફી (લુઝ)ના નમૂના લીધા હતા. નમૂના લેવા ઉપરાંત વેપારીઓ અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.