– કાયદાને સુધારવા સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું
– ડબલ ટેક્સેશન દૂર કરવા એક કંપની બીજી કંપનીને ડિવિડન્ડ આપે તો તેવા કિસ્સાઓમાં વેરામાફીનો ક્લેઈમ મૂકવાની છૂટ મળશે
અમદાવાદ : સંસદમાં આજે રજૂ કરવામાં આવેલા આવકવેરા કાયદાના નવા સુધારેલા બિલમાં કરદાતા દ્વારા જાહેર ન કરવામાં આવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર સૂચવવામાં આવ્યો છે. તેમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ડિજિટલ એસેટમાં ક્રિપ્ટો કરન્સી, બિટકોઈન, એથેરિયમના મૂલ્યને ગણતરીમાં લેવામાં આવશે.તેમ જ કેટલીક ડિજિટલ ઇમેજ બનાવીને એટલે કે નોન ફંજિબલ ટોકન બનાવીને તેના કરવામાં આવતા વેચાણના મૂલ્યને પણ આવકવેરાની ગણતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.
નવા સુધારેલા કાયદાના માધ્યમથી કલમ ૮૦(એમ)ને પુનઃપ્રસ્થાપિત કરવામાં આવશે. આ એક અત્યંત મહત્વની કલમ છે. તેના માધ્યમથી એક કંપની બીજી કંપનીઓને ડિવિડંડ આપે તો તેવા સંજોગોમાં ડિવિડંડ પર ડિડક્શન ેએટલે કે વેરાની કપાત કરવાની છૂટ આપવામાં આવશે. આ સુધારો કરવાથી બમણો વેરો વસૂલવાની સમસ્યાનો ઉકેલ આવી જવાની સંભાવના છે.
વેરાની કરવામાં આવેલી ચોક્કસ ચૂકવણી માટે શૂન્ય વેરાનું પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થાને અટકાવી રાખવાની જૂની જોગવાઈને ફરીથી અમલમાં લાવે તેવી સંભાવના રહેલી છે. અગાઉ આ વ્યવસ્થાને કાઢી નાખવામાં આવી હતી. વાસ્તવમાં આ વ્યવસ્થા અર્થહીન સાબિત થશે. સરકારી અધિકારી એક કરદાતા પર વેરાની જવાબદારી ઊભી કરે તે ખોટી રીતે ઊભી કરશે તેવી કબૂલાત કરે તેવી શક્યતા નહિવત જ છે. તેથી આ જોગવાઈ બહુ દમદાર જણાતી નથી. તેને કારણે કોર્ટ કેસ વધવાની સંભાવના છે.
તેમાં કરદાતા દરેક બિલ બતાવે અન ેતેના સપોર્ટિંગ પણ બતાવે તેમ છતાં આવકવેરા આધિકારી તેને ફેક કે બનાવટી ટ્રાન્ઝેક્શન તરીકે ખપાવીને તેને વેરાપાત્ર બનાવી દેશે. કરદાતાએ આ બોગસ વહેવારો બતાવીને આવકને છુપાવી હોવાનું જણાવીને તેના પર નવા નિયમ મુજબ ૬૦ ટકા ટેક્સ, ૨૫ ટકા સરચાર્જ, ૪ ટકા સેસ અને ઓછામાં ઓછી ૧૦ ટકા પેનલ્ટી લગાડશે. જોકે પેનલ્ટી તો ૧૦૦ ટકાથી માંડીને ૨૦૦ ટકા સુધી લગાડી શકાય છે. એકવાર તે આવકને વેરાપાત્ર ગણાવ્યા પછી આવકવેરા અધિકારી પાસે પણ પારોઠનાં પગલાં ભરવાનો અવકાશ રહેશે નહિ. અધિકારી પીછેહઠ નહિ કરે અને વેપારી તે સ્વીકારશે નહિ. તેથી કોર્ટ કેસની સંખ્યા વધી જવાની સંભાવના છે.
આવકવેરાના કાયદામાં કરવામાં આવનારા મહત્વના ફેરફારોમાં અત્યારના આકારણી વર્ષ અને ફાઈનાન્શિયલ યર જેવી ટર્મ્સ વાપરવામાં આવે છે. તેમાં જે વર્ષનું ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું થાય તે વર્ષને ફાઈનાન્શિયલ યર તરીકે ઓળખાવવામાં આવે છે. તેના રિટર્નની પછીના વર્ષમાં આકારણી કરવામાં આવે ત્યારે તે વર્ષને આકારણી વર્ષ તરીકે ઓળખાવવામાં આવે છે. આ ફાઈનાન્શિયલ યરને બદલે ટેક્સ યર શબ્દ સમુહનો ઉપયોગ કરવામાં આવશે. તેને માટે કલમ ૮૧૯થી ૨૩૬માં ફેરફાર કે સુધારો કરવામાં આવશે.
આવકવેરાના નવા ખરડામાં ભાષાને એકદમ સરળ રાખવામાં આવશે. દરેક વાક્યને બને એટલા ટૂંકા રાખવામાં આવશે. તેમ કરવાથી કાયદાને દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકશે. જૂના કાયદામાં કુલ ૫.૧૨ લાખ શબ્દ છે. આ શબ્દોની સંખ્યા ઘટીને ૨.૬૦ લાખની કરી દેવામાં આવશે. આમ કાયદાના પુસ્તકને લગભગ અડધુંં કરી દેવામાં આવશે. જોકે કાયદો સરળ બનશે કે કેમ તે અંગે વેરાના નિષ્ણાર્તોને આશંકા છે.
કરદાતાનો વ્યક્તિગત સંપર્ક કર્યા વિના જ ટેક્નોલોજીની મદદથી વેરાની આકારણી કરીને વેરાની વસૂલી પર નવા કાયદાના માધ્યમથી ફોકસ કરવામાં આવશે. હા, નવા કાયદામાં કેન્દ્ર સરકારને વેરા માટે નવી યોજનાઓ બનાવવાની સત્તા આપવામાં આવશે. જોકે આ સ્કીમ સંસદની મંજૂરી વિના અમલમાં લાવી શકાશે નહિ.