Delhi Bomb Threat: દિલ્હીમાં સ્કૂલ, કોલેજો અને એરપોર્ટ સહિત અનેક જાહેર સ્થળોને ઈમેલ દ્વારા બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ આતંકી જૂથ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જૂથનું નામ ટેરરાઈઝ 111 રાખ્યું હતું. આ બોમ્બ ધમકીઓ 100થી 150 ઈમેલ સરનામાં પર મોકલવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, એરપોર્ટ અને અન્ય સંસ્થાઓને આ ધમકીભર્યો ઈમેઇલ મળતાની સાથે જ સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એરપોર્ટ પર મુસાફરોની અવરજવર પર નજર રાખવામાં આવી હતી.
મોટાભાગની ધમકીઓ ખોટી હોવાનું બહાર આવ્યું.
નોંધનીય છે કે, દિલ્હીમાં અગાઉ પણ આવી જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ઘણી વખત, કામકાજના દિવસોમાં શાળાઓ અને અન્ય સુવિધાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓએ ડર ફેલાવ્યો છે. જો કે, તપાસ બાદ, મોટાભાગના કિસ્સાઓ ખોટા હોવાનું બહાર આવ્યું છે. દિલ્હી ઉપરાંત, જયપુર, મુંબઈ અને કોલકાતામાં પણ બોમ્બ ધમકીઓ મળી હતી.
આ પણ વાંચો: ‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન
ત્રણ મેક્સ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અગાઉ 13મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીના શાલીમાર બાગ, દ્વારકા અને સાકેતમાં આવેલી ત્રણ મેક્સ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મેક્સ હોસ્પિટલના કેન્દ્રીય કાર્યાલયને મળેલા ઈમેલમાં હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી. જો કે, આ પણ એક અફવા સાબિત થઈ હતી.