– ધનખડ 2022માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા, બે વર્ષનો કાર્યકાળ બાકી હતો
– 60 દિવસમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવી પડશે રાજ્યસભાના અધ્યક્ષનું કામ હાલ ઉપાધ્યક્ષ સંભાળશે
નવી દિલ્હી : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં આરોગ્ય સંબધી કારણો અને મેડિકલ સલાહનો સંદર્ભ આપી બંધારણની કલમ ૬૭(એ) હેઠળ પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. સંઘપ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ ૭૫ વર્ષે નિવૃત્તિની વાત કહી હતી તેવા સમયે જ ધનખડે રાજીનામું આપ્યું છે.
ધનખડની ઉંમર ૭૪ વર્ષ છે તેમણે ૧૮ મેના રોજ ૭૪ વર્ષ પૂર્ણ કર્યા હતાં એટલે કે હાલમાં તેમનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે ૭૫ વર્ષની ઉંમરે નિવૃત્ત થવાની વાત કહી હતી.
રાષ્ટ્રપતિ મુર્મુને સંબોધિત પોતાના પત્રમાં જગદીપ ધનખડેએ લખ્યું હતું કે સ્વાસ્થ્યની પ્રાથમિકતા અને મેડિકલ સલાહનું પાલન કરતા હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યું છે.
તેમણે રાષ્ટ્રપતિને તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબધો માટે અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ વડાપ્રધાન અને મંત્રી પરિષદનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
જગદીપ ધનખડેએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે મને સંસદના તમામ માનનીય સભ્યોથી જે સ્નેહ, વિશ્વાસ અને સન્માન મળ્યું છે તે સમગ્ર જીવન તેમના હૃદયમાં સંચિત રહેશે.
ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે આ મહાન લોકતંત્રમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અનુભવ અને દ્રષ્ટિકોણો માટે હું ઉંડાણપૂર્વક આભારી છું. ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનકારી સમયનું સાક્ષી બનવું મારા માટે સૌભાગ્ય અને સંતોષનો વિષય રહ્યો છે. તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવલ ભવિષ્ય પર અતૂટ વિશ્વાસ દર્શાવ્યો હતો.
જગદીપ ધનખડેએ ૨૦૨૨માં ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં. ૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ થયેલ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે વિપક્ષ ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતાં. ધનખડને કુલ ૭૨૫માંથી ૫૨૮ મતો મળ્યા હતાં જ્યારે માર્ગરેટ અલ્વાને ૧૮૨ વોટ મળ્યા હતાં.
ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક પહેલા તે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતાં. જગદીપ ધનખડનો જન્મ ૧૮ મે, ૧૯૫૧ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો.