વડોદરા રેલવે સ્ટેશન મુસાફરો અને ટ્રેનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતું જંક્શન છે. અહીં સુરક્ષામાં ચૂક ગંભીર પરિણામને નોતરું આપી શકે છે. ત્યારે રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ચેકિંગ વગર સીધી એન્ટ્રી/એગ્ઝિટ થઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
પ્લેટફોર્મ પર પ્રવેશ સમયે લગેજ સ્કેન કરવા રેલ્વે પોલીસ અથવા આરપીએફના કર્મીઓ જોવા મળ્યા ન હતા. અને મુસાફરો પોતાનો સામાન લઈ સીધા પ્લેટફોર્મ તરફ જતા જોવા મળ્યા હતા. મુસાફરો સ્કેન થઈને પસાર થાય તે માટે મેટલ ડિટેક્ટર મશીનો મૂકવામાં આવ્યા છે. જો કે, ત્યાં કોઈ વ્યક્તિ ચેકીંગ કરી રહ્યું ન હતું. રવિવારની રજાના કારણે મુસાફરોની ભીડ હોવા છતાં સુરક્ષાને લઈ તકેદારી રાખવામાં આવી ન હતી. તેમજ પ્રવેશદ્વાર બે અને છ ખાતે લગેજ સ્કેનરની વ્યવસ્થા હોવા છતાં તમામનું ફરજિયાત લગેજ સ્કેન કરવામાં આવી રહ્યું નથી. ગેરકાયદેસર પદાર્થોની હેરફેર ન થાય તે માટે રેલવે તંત્રએ સજાગ રહેવું જરૂરી છે. બીજીતરફ જો તમામ મુસાફરો અને સામાનની ચકાસણી થાય તો સ્ટેશન પર ભીડ થવાની સમસ્યા સર્જાય અને રેલ્વે તંત્ર માટે પહોંચી વળવું અઘરું બને જેથી સુરક્ષા ચકાસણીની વ્યવસ્થામાં વધારો કરવો જરૂરી છે.
