– ને.હા. નં.-48 પર અકસ્માત : ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર
– ડભાણ ગામનો રાહદારી ટ્રકની નીચે ફસાયો હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ મૃત્યુ
નડિયાદ : પીપલગ એપીએમસી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર આજે બપોરે ટ્રકે ટક્કર મારતા રોડ ક્રોસ કરતા રાહદારીનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપલગ નજીકથી નેશનલ હાઇવે નંબર ૪૮ પસાર થાય છે. હાઈવે પર એપીએમસી નજીકથી આજે બપોરે એક રાહદારી રોડ ક્રોસ કરતો હતો. ત્યારે પુરઝડપે આવેલી ટ્રકે ટક્કર મારતા રાહદારી ટ્રક નીચે આવી ગયો હતો.
તેને શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા ૧૦૮ તેમજ નડિયાદ ગ્રામ્ય પોલીસ તુરંત જ સ્થળ ઉપર દોડી આવી હતી. આ અકસ્માતનો ભોગ બનનાર રાહદારી નગીનભાઈ ભઈજીભાઈ રાવળ (રહે. ડભાણ, તા. નડિયાદ)ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. અમદાવાદથી વડોદરા તરફ જતી ટ્રક રાહદારીને ટક્કર મારી રોડ સાઈડની પાળી પર ચડી જઈ પોલ સાથે અથડાઇ હતી. અકસ્માત સર્જી ડ્રાઇવર ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.