Jamnagar Corporation : જામનગર શહેરમાં કેટલાક માલિકીના ઢોર રસ્તે રઝળી રહ્યા છે, અને તેના માલિકો દ્વારા ફરીથી પોતાના માલિકીના ઢોરને જાહેર માર્ગો પર છોડી દઈ અડચણ કરતા હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરીને સુચના આપવામાં આવી રહી છે.
ત્યારબાદ આવા માલિકીના ઢોર બહાર જોવા મળશે તો તમામને જપ્ત કરી લેવામાં આવશે, સાથો સાથ ઢોર માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેવી કડક સુચના આપવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, તેમજ ડે.કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, તથા આશિ.કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટુકડીઓ બનાવાઇ છે. જેમાં કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ સોલીડ વેસ્ટ શાખાના રાજભા જાડેજા, ઉપરાંત એસ્ટેટ શાખાની ટીમ ટેક્સ બ્રાન્ચના નીતિન મહેતા સહિતની ટુકડી દ્વારા ગઈકાલે સૌપ્રથમ વંડાફળી સહિતના આસપાસના વિસ્તારોમાં જઈને સુચના આપવામાં આવી હતી, અને ત્રણ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે.
સાથો સાથ જે ઢોર માલિકો દ્વારા પોતાના ઘર અથવા આસપાસના વિસ્તારમાં વાડાઓ બાંધીને તેમાં પશુઓને રાખવામાં આવી રહ્યા છે, તે જગ્યા અંગેના આધાર પુરાવાઓ પણ મેળવાઈ રહ્યા છે. જેમાં કોઈ પણ પ્રકારનું દબાણ જોવા મળશે, તો તે ઢોરવાડાને દૂર કરી દેવામાં આવશે તેવી પણ સૂચના અપાઈ રહી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર, શંકર ટેકરી, ગુરુદ્વારા, જલારામનગર સહિતના વિસ્તાર કે જ્યાં ઢોર માલિકો દ્વારા પોતાના પશુઓને ઘર તથા વાડામાં રાખવામાં આવે છે, તે તમામ સ્થળોએ જઈને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ ત્રણ દિવસનું અલ્ટીમેટમ પણ અપાઈ રહ્યું છે.