Nepal Crisis: નેપાળમાં હિંસક પ્રદર્શન દરમિયાન અનેક ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલાનો દાવો છે કે, ભીડ તેની પાછળ દંડો લઈને દોડી રહી હતી અને તે માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત કેરળમાંથી જ 40થી વધુ લોકો નેપાળમાં ફસાયેલા છે.
ભારતીય મહિલાએ વીડિયો શેર કરી જણાવી આપવીતી
આ વીડિયો જાહેર કરનારી મહિલાનું નામ ઉપાસના ગિલ છે. તેમણે વીડિયો મેસેજમાં કહ્યું કે, વિરોધ કરી રહેલા દેખાવકારો પ્રવાસીઓને પણ નથી છોડી રહ્યા. તેણે કહ્યું કે, ‘મારૂ નામ ઉપાસના ગિલ છે અને હું વીડિયો પ્રફુલ્લ ગર્ગને મોકલી રહી છું. હું ભારતીય દૂતાવાસને અપીલ કરૂ છું કે, અમારી મદદ કરો. તમામ લોકો જે અમારી મદદ કરી શકો છો એ કરો. હું અહીં નેપાળના પોખરામાં ફસાઇ ગઈ છું. હું અહીં એક વૉલીબૉલ લીગનું આયોજન કરાવવા આવી હતી. જે હોટેલમાં હું રોકાઇ હતી, તેને આગ લગાવી દેવામાં આવી છે. મારો બધો જ સામાન રૂમમાં હતો અને આખી હોટેલને આગ ચાંપી દેવામાં આવી. હું સ્પામાં હતી અને લોકો મારી પાછળ મોટા-મોટા દંડા લઈને ભાગી રહ્યા હતા. હું માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી.’
આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ
…અમારી મદદ કરો
આ વિશે વધુ વાત કરતા તેણે કહ્યું કે, ‘અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તા પર દરેક જગ્યાએ આગ લગાવવામાં આવી રહી છે. તે અહીં પ્રવાસીઓને પણ નથી છોડી રહ્યા. આ લોકો એવી પણ ચિંતા નથી કરતા કે, અહીં કોઈ પ્રવાસી છે કે અહીં કામ માટે આવ્યા છે. તેઓ વિચાર્યા વિના જ દરેક જગ્યાએ આગ લગાવી રહ્યા છે. અમને નથી ખબર કે અમે બીજી કોઈ હોટેલમાં પણ રહી શકીશું કે નહીં. હું ભારતીય દૂતાવાસને વિનંતી કરૂ છું કે, અમારી મદદ કરો. અહીં મારી સાથે બીજા ઘણાં લોકો છે અમે અહીં ફસાઇ ગયા છીએ. ‘
ભારતે જાહેર કરી માર્ગદર્શિકા
નેપાળમાં સરકાર વિરોધી જોરદાર વિરોધ પ્રદર્શન બાદ દેશભરમાં રાજકીય સંકટ વધતા ભારતે મંગળવારે કહ્યું કે, ‘નેપાળમાં ઘટનાક્રમ પર નજીકથી ધ્યાન રાખવામાં આવી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનું સમાધાન આવશે. મંત્રાલયે નેપાળમાં હાજર ભારતીય નાગરિકોની સ્થિતિ જોતા સાવધાન રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, ‘ગદ્દારો’ ની શોધખોળમાં વિપક્ષ
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘એ પણ ધ્યાનમાં આવ્યું છે કે અધિકારીઓએ કાઠમાંડુ અને નેપાળના અન્ય ઘણાં શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં હાજર ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અને નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.’ નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસી જતાં, ભારતે તેના નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી ત્યાંની તેમની યાત્રા ટાળવા માટેની અપીલ કરી છે.
વિદેશ મંત્રાલયે આ મુદ્દે જણાવ્યું કે, ‘નેપાળમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી નેપાળની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના વર્તમાન રહેઠાણ સ્થળોએ રહે, રસ્તાઓ પર બહાર નીકળવાનું ટાળે અને ખૂબ જ સાવધાની રાખે. તેમને નેપાળ અધિકારીઓ અને કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સુરક્ષા સલાહકારોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.’