Vadodara Demolition : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તો સાંકડો હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામ થાય છે. પરિણામે સ્વામિનારાયણ મંદિર દ્વારા 3000 ચોરસ ફુટ જમીન રસ્તો પહોળો કરવા માટે પાલિકા તંત્રને નિ:શુલ્ક આપી છે. પરિણામે જાહેર રોડ રસ્તાના હંગામી દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા સ્વામિનારાયણ મંદિર-બાપ્સ આસપાસનો રસ્તો ખૂબ જ સાંકડો છે જ્યારે બીજી બાજુ વારંવાર ટ્રાફિકજામની આ સમસ્યાના ઉકેલ માટે સ્વામિનારાયણ સંપ્રદાય ટ્રસ્ટ બીએપીએસ દ્વારા મંદિરની સામે આવેલી તેમની કુલ જમીન 15×200 ચોરસ ફુટ એટલે કે 3000 સ્ક્વેર ચો.ફૂટ જમીન પાલિકા તંત્રને સ્વૈચ્છિક રીતે આપી હતી.
જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની દબાણ શાખાએ આ વિસ્તારના જાહેર રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો સહિત મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી જમીનો પરની કમ્પાઉન્ડ બુલડોઝરના સહારે તોડી પાડવામાં આવી હતી. આમ હવે આગામી દિવસોમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિર વિસ્તારનો સાંકડો રસ્તો વાહન વ્યવહાર માટે પહોળો કરાતા ટ્રાફિકનું ભારણ ઘટવાની શક્યતા નકારી શકાતી નથી.