Uttar Pradesh Politics: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી. પરંતુ સોમવારે (21મી જુલાઈ) બ્રિજભૂષણ શરણ સિંહ અચાનક લખનઉમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા અને લગભગ અડધો કલાક સીએમ યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. હવે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે પ્રતિક્રિયા આપી છે.
આ મુલાકાત રાજકીય નથી: બ્રિજભૂષણ શરણ સિંહ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે, ‘જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. હું લગભગ 31 મહિના પછી સીએમ યોગીને મળ્યો છું. જાન્યુઆરી 2023માં મારા પર આરોપ લાગ્યા ત્યારથી મેં મુખ્યમંત્રી સાથે વાત કરી નહોતી. જ્યારે મારા પર આરોપ લાગ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આ લડાઈ મારી છે અને હું તેને લડીશ.’
ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે, ‘જાન્યુઆરી 2023માં મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો, ત્યારથી મેં તેમની પાસેથી અંતર બનાવી લીધું છે. મેં કહ્યું હતું કે જ્યારે તે મને ફોન કરશે ત્યારે જ હું તેમને મળવા જઈશ, હવે જ્યારે તેમણે મને ફોન કર્યો ત્યારે હું તેમને મળવા ગયો. આ બેઠકમાં પરિવારના બે સભ્યોએ પોતાનું દુઃખ અને ફરિયાદ શેર કરી હતી, આમાં કંઈ રાજકીય નથી.’
2027ના ચૂંટણી સમીકરણોની દૃષ્ટિએ આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેની આ મુલાકાતને ખાસ રહી હતી. કારણ કે, વર્ષ 2027ના ચૂંટણી સમીકરણોની દૃષ્ટિએ આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંહ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા(WFI)ના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે રામ મંદિર આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. મહિલા પહેલવાનોના આરોપો બાદ ગત લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવામાં આવી હતી. જોકે, તેમના પુત્ર કરણ ભૂષણને ટિકિટ મળી અને તે ચૂંટણી જીતી ગયો હતો.