અમદાવાદ, મંગળવાર
દિલ્હી ચકલા ખાતે રહેતા હોમગાર્ડ જવાનની ગઇકાલે રાતે દિલ્હી દરવાજા પાસે છરી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં નિર્દોષ યુવક દિલ્હી દરવાજા પાસે સિઝનલ સ્ટોર પાસે ઉભો હતો આ સમયે આરોપીએ મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહીને તકરાર કરી હતી અને તેની સાથેની મહિલાએ ગાળો બોલતા આરોપીએ ઉશ્કેરાઇને યુવકને છરી મારીને આંતરડું બહાર કાઢી કાઢતાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી યુવક અને મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવક,મહિલાની નારોલથી ધરપકડ ઃ બંદોબસ્ત વચ્ચે યુવકની અંતિમ સંસ્કાર માટે શાહપુરથી દૂધેશ્વર સુધી સ્મશાન યાત્રા
દિલ્હી ચકલા શાહપુર ભોઇવાળાની પોળમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં શાહઆલમ દરગાહ સામે રહેતા બદ્રુદ્દીન શા અને એરપોર્ટ પાસે ભદ્રેશ્વર પાસે રહેતી નિલમબહેન પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઇ ઘી કાંટા ખાતે રેડિમેડ ગારમેન્ટમાં નોકરી કરતા હતા તેમજ શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરતા હતા.
ગઇકાલે રાતે ફરિયાદીના ભાઇ દિલ્હી દરવાજા પાસે જાવેદ સિઝનલ સ્ટોર નામની દુકાન આગળ હાજર હતા આ સમયે આરોપી બદ્રુદ્દીને આવીને તું મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહીને તકરાર કરી હતી આ સમયે તેની સાથે હાજર મહિલા પણ ગાળો બોલવા લાગી હતી. યુવક કંઇ વિચારે તે પહેલા આરોપીએ છરીથી જીવલેણ હુમલો કરીને યુવકના પેટમાંથી આંતરડું પણ બહાર કાઢી કાઢતાં યુવકને સારવાર માટે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયા મોત થયું હતું. આજે સાંજે જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મૃતક યુવકની શાહપુરથી દૂધેશ્વર સ્મશાન સુધી સ્મશાનયાત્રા નીકળી હતી. બીજીતરફ ક્રાઇમ બ્રાંચે નારોલથી આરોપી યુવક અને મહિલાની ધરપકડ કરી હતી, પોલીસ તપાસમાં આરોપી યુવક સામે અમદાવાદના ૧૨ પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હતા જ્યારે આરોપી મહિલા સામે પણ પાંચ ગુના નોંધાયેલા હતા ત્રણ મહિના પહેલા બન્નેને ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયા હતા.