– ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારતા હવે કોને શિરપાવ ?
– ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ થતાં જગદીપ ધનખડે રાજીનામું આપવું પડયું હોવાનો દાવો
– સોમવારે બપોરે કંઈક રંધાયું હોવાથી નડ્ડા-રિજિજૂ બીએસીની બેઠકમાં હાજર ના રહેતા ધનખડે રાજીનામું આપ્યું : જયરામ રમેશનો સવાલ
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે રાતે અચાનક જ જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ બતાવી ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું, જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે સ્વીકારી પણ લીધું. જોકે, જગદીપ ધનખડના રાજીનામાએ રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. આ સાથે ધનખડે રાજીનામું આપ્યું કે લઈ લેવાયું તેવી ચર્ચાએ જોર પકડયું છે. જોકે, રાજકીય નિષ્ણાતો એક બાબતે સ્પષ્ટ છે કે ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું નથી આપ્યું. તેની પાછળ કંઈક બીજું જ રંધાઈ રહ્યું છે. ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગ મુદ્દે સરકાર સાથે ઘર્ષણના કારણે તેમણે રાજીનામું આપવું પડયું હોવાની પણ અટકળો થઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરાશે અને ત્યાર પછી ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. ૭૪ વર્ષના જગદીપ ધનખડે તેમના રાજીનામામાં લખ્યું હતું કે, સ્વાસ્થ્યને પ્રાથમિક્તા આપવા અને ડૉક્ટરોની સલાહનું પાલન કરવા હું બંધારણની કલમ ૬૭(એ) હેઠળ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપું છું.
ભાજપના કોઈ મંત્રી, નેતાનું સત્તાવાર નિવેદન નહીં
જગદીપ ધનખડે રાજીનામું આપ્યાના બીજા દિવસે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું. જગદીપ ધનખડના અચાનક રાજીનામા પછી ભાજપના કોઈ મંત્રી, નેતાએ અથવા ઉપરાષ્ટ્રપતિ ઓફિસ તરફથી પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કરાયું નહોતું. વધુમાં પીએમ મોદીએ પણ લગભગ ૧૫ કલાક પછી તેમના સ્વાસ્થ્ય અંગે ટીપ્પણી કરી હતી, જેથી રાજકીય વર્તૂળોમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે.
ચોમાસુ સત્રના પહેલા દિવસે ધનખડ અત્યંત સક્રિય-વ્યસ્ત હતા
જગદીપ ધનખડના રાજીનામા અંગે રહસ્ય ઘેરાવાનું એક કારણ એ પણ છે કે તેમણે હજુ ૧૨ દિવસ પહેલાં જ દિલ્હીમાં સ્થિત જેએનયુ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું યોગ્ય સમયે નિવૃત્ત થઈ જઈશ, ૨૦૨૭માં, જો ભગવાનની ઈચ્છા હશે તો! વધુમાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે તેઓ આખો દિવસ રાજ્યસભાના કામકાજમાં ખૂબ જ સક્રિય રહ્યા હતા. તેઓ સ્વાસ્થ્યના કારણોથી રાજીનામું આપી શકે તેવા કોઈ સંકેતો કોઈને આખો દિવસ મળ્યા નહોતા. ઉલટાનું ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમના આગામી કાર્યક્રમો પણ નક્કી હતા. આથી જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.
ધનખડ ન્યાયતંત્ર અંગે મોટી જાહેરાત કરવાના હતા: જયરામ
જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિપદે હતા ત્યારે તેમની આકરી ટીકા કરતા અને તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવનાર વિપક્ષ પણ રાજીનામાની જાહેરાતથી ચોંકી ગયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે, જગદીપ ધનખડના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય નહીં પરંતુ બીજા જ કોઈ પરિબળો જવાબદાર હોવાની શક્યતા છે. તેઓ ન્યાયતંત્ર અંગે કોઈ મોટી જાહેરાત કરવાના હતા. પીએમ મોદીએ તેમને રાજીનામું નહીં આપવા માટે મનાવવા જોઈએ.
નડ્ડા-રિજિજૂ બેઠકમાં ગેરહાજર રહેતા ધનખડ નારાજ: જયરામ
જયરામ રમેશે ઉમેર્યું કે, સોમવારે રાજ્યસભાની કાર્યવાહી અંગેની બેઠકમાં બપોરે ૧.૩૦ અને ૪.૩૦ કલાકે હું તેમને મળ્યો હતો. તેમની સાથે સાંજે ૭.૩૦ કલાકે મેં ફોન પર વાત પણ કરી હતી. આ સમયે તેમના વર્તનમાં ક્યાંય એવા સંકેતો નહોતા મળ્યા કે તેમનું સ્વાસ્થ્ય ખરાબ છે અથવા તેઓ રાજીનામું આપવાના છે. તેમણે અચાનક જ રાતે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. મારું માનવું છે કે બપોરે ૧.૩૦થી ૪.૩૦ કલાક વચ્ચે કંઈક એવું થયું કે તેમણે રાજીનામું આપવાનું પગલું લેવું પડયું, કારણ કે રાજ્યસત્રાની બીએસીની બપોરે ૧.૩૦ની બેઠકમાં જેપી નડ્ડા અને કિરણ રિજિજુ હાજર રહ્યા હતા જ્યારે ૪.૩૦ કલાકની બેઠકમાં બંને ગેરહાજર રહ્યા હતા.
મહાભિયોગ અંગે ધનખડની કાર્યવાહીથી કેન્દ્ર સાથે ઘર્ષણની આશંકા
કેટલાક સૂત્રોએ દાવો કર્યો છે કે ચોમાસુ સત્રના પહેલા દિવસે જે ઘટનાઓ ઘટી તે તેમના રાજીનામાનું કારણ હોઈ શકે છે. ધનખડે ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગની નોટિસ સ્વકારી હતી, જેમં વિપક્ષના ૬૮ સાંસદોના હસ્તાક્ષર હતા, પરંતુ એનડીએ સરકારના કોઈ સાંસદના હસ્તાક્ષર નહોતા. આ જ સમયે સરકાર પણ લોકસભામાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવી રહી હતી. ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગની ક્રેડિટ સરકાર લેવા માગતી હતી, પરંતુ ધનખડના પગલાંથી તેમને તે તક મળી નહીં. આથી મહાભિયોગ મુદ્દે સરકાર અને ધનખડ વચ્ચે ઘર્ષણ થયું હોવાની અટકળો છે.
ઉપરાષ્ટ્રપતિપદની રેસમાં નીતિશ સિવાય અન્ય નામો ચર્ચામાં
કેટલાક સૂત્રોનું એમ પણ કહેવું છે કે બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે ધનખડના રાજીનામાથી ભાજપ નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવી બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બનાવવા માગે છે. કેટલાક સૂત્રો લાંબા સમયથી ન્યાયતંત્ર સાથે જગદીપ ધનખડના ઘર્ષણને પણ રાજીનામા માટે કારણભૂત ગણાવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા થશે ત્યારે ભાજપ તેનો ફાયદો લેવાની તક છોડશે નહીં. ત્યારે નીતિશ કુમાર ઉપરાંત રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ અને બિહારના દિવંગત મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર રામ નારાયણ ઠાકુરના નામની પણ ચર્ચા ચાલી રહી છે.