Jagdeep Dhankhar: ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી 21 જુલાઈના રોજ રાજીનામું આપી દીધું છે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. આ રાજીનામાંથી રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. એવામાં હવે મળતી જાણકારી અનુસાર ધનખડ 21 જુલાઈની રાત્રે 9 વાગ્યે કોઈપણ પૂર્વ સૂચના વગર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં તમામ પ્રવૃત્તિ પ્રોટોકોલ હેઠળ થાય છે, પરંતુ ધનખડના અચાનક પહોંચવાથી કાર્યાલયમાં ખળભળાટ મચી ગયો હતો.
એપોઇન્ટમેન્ટ વગર જ ધનખડ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાત્રે 9 વાગ્યે એપોઇન્ટમેન્ટ વગર જ ધનખડ મળવા આવતા બંધારણીય અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન, એડીસી તાત્કાલિક લશ્કરી સચિવને ધનખડના રાષ્ટ્રપતિ ભવન આગમનની જાણ કરવા દોડી ગયા. બાદમાં, રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા બાદ, ધનખડે પોતાનું રાજીનામું સોંપ્યું હતુ અને આ માહિતી રાત્રે 9:25 વાગ્યે જાહેર કરવામાં આવી.
રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિની આજે બેઠક
ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પછી આજે પહેલી વાર રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિ (BAC) ઉપસભાપતિ હરિવંશની અધ્યક્ષતામાં મળશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા 21 જુલાઈના રોજ ધનખડની અધ્યક્ષતામાં યોજાયેલી BAC બેઠકમાં હાજર રહ્યા ન હતા.
આ પણ વાંચો: મિલીભગત કરી લોકોને લૂંટતા બિલ્ડર અને બૅન્ક કર્મચારીઓ વિરુદ્ધ એક્શન લેશે CBI, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચૂંટણી પંચ ટૂંક સમયમાં આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે ધનખડના રાજીનામાની સત્તાવાર સૂચના જાહેર કર્યા પછી તેમના ઉત્તરાધિકારી માટે ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો, જેમાં નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે, ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરે છે. સૂચના જાહેર થયાના દિવસથી ‘મતદાન માટે ચૂંટણી મંડળને બોલાવવા’ અને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.