– લાઈનમાં ઉભા રહેવા છતા ખાતર ન મળતા ધક્કા ખાવા મજબૂર
– મંડળી અને વિક્રેતાઓ દ્વારા ખાતર સાથે મલ્ટીની થેલી લેવા ફરજ પડાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
નડિયાદ : ચોમાસાનો સમયસર વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. નડિયાદ પંથકમાં ચાલુ વર્ષે ડાંગરની રોપણી પૂરી થવા આવી છે. હાલમાં ખરીફ પાક માટે રાસાયણિક ખાતરની જરૂર છે ત્યારે જ નડિયાદ, વસો સહિતના તાલુકાઓમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર ન હોવાથી ખેડૂતોને ધક્કા ખાઈને પરત જવું પડતું હોવાની બુમ ઉઠી છે.
ખેડા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચાલુ વર્ષે સમયસર ચોમાસાનો વરસાદ થતાં ડાંગરના ધરુવાડીયા તૈયાર થતા ખેડૂતોએ રોપણી શરૂ કરી છે. નડિયાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે ડાંગરની રોપણી થઈ ગઇ છે. જ્યારે માતર, લીંબાસી, નવાગામ નાયકા ખેડા વિસ્તારમાં ડાંગરની રોપણીની કામગીરી ચાલી રહી છે. હાલમાં વિવિધ પાકમાં રાસાયણિક ખાતર નાખવામાં આવી રહ્યું છે. ત્યારે માતર, નડિયાદ વસો તાલુકા સહિતના તાલુકાના ગામો મિત્રાલ, રામપુર, વસો, માતર, મરીડા, પીજ, દંતાલી, અલીન્દ્રા, સંધાણા, ખાધલી સહિતના ગામોમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં ન આવતા ખેડૂતોની લાંબી લાઈનો લાગતી હોય છે. યુરીયા ખાતરની સાથે હાઈજીન મલ્ટીની થેલી લેવા ફરજ પડાતી હોવાનો અને થેલી લેવા ના પાડનાર ખેડૂતોને ખાતર આપવા આનાકાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લામાં મોટાભાગના ગામોમાં સહકારી મંડળીઓ તેમજ ખાતરના વિક્રેતાઓ રાસાયણિક ખાતર સાથે ફરજિયાત પણે હાઈજીન મલ્ટીની થેલી લેવા ફરજ પાડી રહ્યા છે. આ હકીકતથી અધિકારીઓ પૂરેપૂરા વાકેફ છે આમ છતાં ખાતર ડેપો, એગ્રોના દુકાનદારો દ્વારા હાઇજીન મલ્ટીની થેલી લેવા ફરજ પાડતા હોય તો ખેડૂત લેખિત અરજી આપે તો પગલાં લેવામાં આવશે તેવો તંત્ર દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ દંતાલી, બામરોલી, કરોલી, મિત્રાલ, પિપરાતા જેવા ઘણા ગામોમાં સહકારી મંડળીઓ ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે. જેથી ખેડૂતોને આજુબાજુના ગામોમાં ખાતર લેવા સમય અને નાણાંનો વેડફાટ કરી ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ત્યારે પૂરતા પ્રમાણમાં સરળતાથી ખાતર, રાસાયણિક ખાતર મળી રહે તે માટે જથ્થો પૂરો પાડવા ખેડૂતોની માંગણી છે.
ખેડા જિલ્લામાં ખરીફ સિઝનમાં 18,000 મેટ્રિક ટન ખાતર ફાળવ્યાનો તંત્રનો દાવો
ખેડા જિલ્લામાં રાસાયણિક ખાતરની અછત બાબતે જિલ્લા વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૮૦૦૦ મેટ્રિક ટન ખાતરનંણ વિતરણ કરવામાં આવ્યું છે. આજે ૧૭૦૦ મેટ્રિક ટન ખાતરની રેન્ક આવી છે અને આવતીકાલે બીજી રેન્ક આવશે આમ પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર હોવાનું જણાવ્યું છે.