GDP Growth Rate: ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડી ગઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના અંતે જીડીપી ગ્રોથ ચાર વર્ષના તળિયે પહોંચ્યો છે. 2024-25નો જીડીપી ગ્રોથ 6.5 ટકા નોંધાયો છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં 9.2 ટકા નોંધાયો હતો. જ્યારે 2021-22 અને 2022-23 માં અર્થતંત્ર અનુક્રમે 8.7 ટકા અને 7.2 ટકાના દરે વધ્યો હતો. વાર્ષિક ધોરણે જીડીપી ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે જીડીપી ગ્રોથમાં નજીવી વૃદ્ધિ જોવા મળી છે.
કેન્દ્રીય આંકડા મંત્રાલયના આંકડા પ્રમાણે, નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિક દરમિયાન GDP ગ્રોથ 7.4% નોંધાયો છે. જે આ ક્વાર્ટરના 6.7 ટકાના નાણા મંત્રાલયના અંદાજ કરતા ઘણો વધારે છે. જોકે, ગયા વર્ષના સમાન ગાળામાં 8.4 ટકા ગ્રોથ રેટ કરતાં નીચો રહ્યો છે.
માથાદીઠ આવકમાં 5.5% નો વધારો
2024-25ના અંતે, ભારતનો જીડીપી 189.97 લાખ કરોડ રૂપિયા થયો હતો, અને વસ્તી 140.8 કરોડ નોંધાઈ હતી. એનએસઓના ડેટા અનુસાર, 2011-12ના સ્થિર ભાવે માથાદીઠ જીડીપી 133501 રૂપિયા છે. ગયા વર્ષના 126528 રૂપિયાની સરખામણીમાં 5.5% નો વધારો દર્શાવે છે. જોકે, 2023.24માં લોકોની માથાદીઠ આવકમાં 8.2%નો વધારો થયો હતો.
નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 10.3% ની સરખામણીમાં 7.2% નો વધારો થયો છે, વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર સેવાઓમાં 7.5% ની સરખામણીમાં 6.1% નો વધારો થયો છે, વીજળી, ગેસ, પાણી પુરવઠો 8.6% ની સરખામણીમાં 5.9% નો વધારો થયો છે, કૃષિમાં 2.7% ની સરખામણીમાં 4.6% નો વધારો થયો છે, ઉત્પાદનમાં 12.3% ની સરખામણીમાં 4.5% નો વધારો થયો છે અને ખાણકામમાં 3.2% ની સરખામણીમાં 2.5% નો વધારો થયો છે.