વડોદરાના અલકાપુરી વિસ્તારની એક શિક્ષિત યુવતીને હેરાન કરનાર યુવકની સાન ઠેકાણે લાવવા યુવતીએ અભયમની મદદ લીધી હતી.
અલકાપુરીમાં રહેતી યુવતીના લગ્ન એક શિક્ષિત યુવક સાથે નક્કી થયા હતા. સગાઈ થયા બાદ બંને સોશિયલ મીડિયા પર સંપર્કમાં રહેતા હતા અને હરતા ફરતા હતા. પરંતુ યુવક અને તેના પરિવારજનોને યુવતીની અમુક હરકતો પસંદ ન હતી. યુવતીએ કોની સાથે સંબંધ રાખવો કોની સાથે નહીં રાખવો તે મુદ્દે ચકમક થતી હતી.
પતિ અને સાસરી પક્ષના લગ્ન પહેલાંના વ્યવહારથી એલર્ટ થઈ ગયેલી યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કરી સગાઈ તોડી હતી. પરંતુ ત્યાર પછી પણ યુવક તેને છોડવા તૈયાર ન હતો. યુવકે તેને સોશિયલ મીડિયા પર મેસેજો મોકલી પજવણી કરતા આખરે યુવતીએ અભયમને જાણ કરી હતી. યુવકને બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને સ્વામીત્વ ભાવ છોડવા માટે કહેવાતા યુવકે પોતાની ભૂલ કબૂલ કરી હતી.