– મહુધાના અલીણા રામનગર સીમ પાસે
– સરદારપુરાના મિત્રને લઈ આવતા ઠાસરાના સૈયાંત ગામના યુવાનને અકસ્માત નડયો
નડિયાદ : મહુધા તાલુકાના અલીણા રામનગર રોડ ઉપર ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થતા મોત થયું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસે ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઠાસરા તાલુકાના સૈયાંત ગામનો મહેશ સનાભાઈ ચાવડા બાઈક લઈને સરદારપુરામાં રહેતા મિત્રને લેવા ગયો હતો. મહેશ બાઈક પર તેના મિત્ર નરેશ જયંતીભાઈ ચાવડાને બેસાડી અલીણા રોડ ઉપરથી પસાર થતો હતો. ત્યારે અલીણા રામનગર સીમ નજીક પુરઝડપે આવેલી ગાડીએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલો મિત્ર રોડની ગટરમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ મહેશભાઈ સનાભાઈ ચાવડા (ઉં.વ.૪૦)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જયેશભાઈ સનાભાઈ ચાવડાએ મહુધા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.