વડોદરામાં વેપારીએ વર્ષ 2022થી 2025 સુધીમાં 6 થી 10 ટકા વ્યાજથી રૂ. 23. 89 લાખ લીધા હોય તેની સામે રૂ. 39,86 લાખ ચૂકવવા છતા વધુ રૂ.14.50 લાખની ઉઘરાણી કરી ધમકી આપનાર શખ્સ સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આજવા નિમેટા રોડ ખાતે રહેતા 33 વર્ષીય વિવેક પટેલ સીસીટીવી કેમેરા સર્વિસનો વ્યવસાય કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મે વર્ષ 2019 – 20માં એક સંસ્થામાં કામ કરતો હતો તે સમયે મારા મિત્ર વિજય નાગજીભાઈ ભરવાડ મારફતે તેમના ભાઈ શૈલેષભાઈ નાગજીભાઈ ભરવાડ (રહે- ભક્તિનગર ,ભરવાડવાસ ,આમોદર) સાથે મિત્રતા થઈ હતી. શૈલેષ ભરવાડ નેશનલ હાઇવે નં. 48 વાઘોડિયા ચોકડી ઉપર પાન પાર્લરનો વ્યવસાય કરે છે. તે વ્યાજથી નાણાં આપતો હોય વર્ષ 2022 માં મને નાણાની જરૂરિયાત ઉદ્ભવતા 10 ટકાના વ્યાજથી રૂ.5 હજાર લીધા હતા. જે બે- ત્રણ મહિનામાં પરત આપી દીધા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે લીધેલ રકમ વ્યાજ સહિત રૂ. 6,11,900 ચૂકવી દીધા હતા. વર્ષ 2023માં ઓનલાઇન તથા રોકડા મળી કુલ રૂ. 7,69,900 લીધા હોય વ્યાજ સાથે રૂ. 14,30,210 ચૂકવ્યા હતા. વર્ષ 2024માં શૈલેષ ભરવાડે હજુ રૂ. ત્રણ લાખ મૂડી બાકી છે તેમ કહી ઉઘરાણી શરૂ કરી હતી.
ફરિયાદી દેવું ચૂકતે કરવા સિંગાપુર જવા નીકળ્યા પણ તેમાં પણ તેમની સાથે ચીટીંગ
મને સિંગાપુર જવાનું હોવાથી નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા મારી કાર તેની પાસે ગીરવે રાખી 6 ટકાના વ્યાજે રૂ .10 લાખની રકમ રોકડેથી લીધી હતી. સિંગાપુર જવામાં મારી સાથે છેતરપિંડી થતા પરત આવ્યો હતો. જેથી મારી ઉપર મોટું દેવું થઈ જતા આવકનું હાલ કોઈ સાધન ન હોય જેથી વ્યાજ આપી શકાય તેમ ન હોવ ટુકડે ટુકડે મૂડી આપવા જણાવતા શૈલેષે હા પાડી હતી.
મારી પાસે ઘણા માથાભારે માણસો છે ગમે ત્યારે ઉઠાવી લઈશ તેવી ધમકીથી ફરિયાદી ભયભીત
વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં શૈલેષ ભરવાડે મને તેના ગલ્લે બોલાવી બાકી રૂપિયા માટે ધમકી આપી હતી કે, હું જ્યારે ફોન કરું ત્યારે રિસીવ કરવાનો નહીં તો મારી પાસે ઘણા માથાભારે માણસો છે ગમે ત્યારે ઉઠાવી લઈશ. જેથી મેં કહ્યું હતું કે, મારું લુણાવાડા ખાતે મકાન આવેલ હોય તેની ઉપર લોન લઈ તમારા રૂપિયા ચૂકવી આપીશ. પરંતુ હાલમાં તે મકાન ઉપર લોન બાકી પડતી હોય રૂ. 3.50 લાખ આપો તો તે ચૂકવી નવી લોન કરી તમારું દેવું ચૂકતે કરી દઉં. આ માટે શૈલેષ ભરવાડ સહમત થયા બાદ રકમ આપી ન હતી.
રૂ. 23.89 લાખની રકમ સામે રૂ. 39.86 લાખ ચૂકવવા છતાં વધુ રૂ.14.50 લાખની ઉઘરાણી
ગત તા. 17 /03/ 2025ના રોજ મને વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ એડવોકેટની ઓફિસે બોલાવી પાછલો હિસાબ ચૂકતે થઈ ગયો છે કાર પરત આપી દઈશું તેમ જણાવી રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર રૂ.14 લાખ લીધા છે અને છ મહિનાની અંદર ચૂકવી આપવાની શરતે સિક્યુરિટી પેટે બે કોરા ચેક લઈ કરારનામું કર્યું હતું.
નાણાની ઉઘરાણી માટે ફરિયાદીની ગીરવે મૂકેલ કાર બુટલેગરને વેચી દેવાની ચીમકી
શૈલેષ ભરવાડ કહે છે કે, રૂપિયા નહીં મળે તો તારી કાર બુટલેગરને વેચી દઈશ. હાલ બાકી નાણાની ઉઘરાણી માટે તે વારંવાર ફોન કરે છે પરંતુ હું રિસીવ કરી રહ્યો નથી. મારી સાથે કોઈપણ પ્રકારની ઘટના ઘટી શકે છે. શૈલેષ ભરવાડ પાસેથી અત્યાર સુધી કુલ રૂ. 23, 89,400 લીધા હોય તેની સામે ઓનલાઇન રૂ. 32,86,110 તથા રોકડા રૂ. 7 લાખ ચૂકવ્યા છે. તેમજ મારી રૂ. 9,15,000ની કિંમતની કાર તેની પાસે છે. છતાં મારી પાસે વધુ રૂ.14.50 લાખની ઉઘરાણી કરી ધમકી આપે છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે શૈલેષ ભરવાડ વિરુદ્ધ બીએનએસ 308 (2), 318 (3), 351 (2) તથા નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.