Monsoon Session Bihar Voter Verification: ચોમાસુ સત્રની શરૂઆતમાં જ વિપક્ષના હોબાળા વચ્ચે બંને સદનની કાર્યવાહી અટવાઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષ રોજ નવા મુદ્દા પર હોબાળો કરી રહ્યું છે. અગાઉ ઓપરેશન સિંદૂર, પહલગામ બાદ આજે બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે SIR વિરૂદ્ધ આક્રમક વલણ દર્શાવ્યું હતું. SIR મુદ્દે પટનાથી માંડી દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. વિપક્ષના સાંસદોએ આજે કાળા કપડાં, અને કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિપક્ષ બિહાર SIRને પરત લેવાની માગ કરી રહ્યું છે. બિહારમાં મહાગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા આરજેડીની સાથે વિપક્ષ INDIA બ્લોકના પક્ષોએ આ મુદ્દે સંસદમાં ચર્ચાની માગ પણ કરી છે. આજે SIR નો વિરોધ કરતાં વિપક્ષના સાંસદો વેલમાં આવી ગયા હતાં. સદનની બહાર અને અંદર વિરોધ પ્રદર્શન કર્યા હતાં. જો કે, કેન્દ્ર સરકાર આ મામલે સદનમાં ચર્ચા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરશે તેવી અટકળો વહેતી થઈ છે.
આ પણ વાંચોઃ ‘બિહારમાં મતદાર યાદીમાંથી હટાવાશે 51 લાખ મતદારોના નામ’, ચૂંટણી પંચે આપી મોટી અપડેટ
સદનમાં SIR મુદ્દે કોઈ ચર્ચા નહીંઃ સૂત્ર
કેન્દ્ર સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણી પંચ તરફથી જવાબ આપી શકે નહીં. આ મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં. બિહારમાં વોટર લિસ્ટનું SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે. સરકાર નહીં. તે કેવી રીતે ચૂંટણી પંચ તરફથી બોલી શકે. ઉલ્લેખનીય છે, બિહારમાં ચૂંટણી પંચ તરફથી જાહેર વોટર લિસ્ટનું વેરિફિકેશન કરતું SIR અભિયાન ચાલી રહ્યું છે. જે હેઠળ મતદારોએ આધાર કાર્ડ સાથે પોતાનું ચૂંટણી કાર્ડ વેરિફાય કરાવવાનું છે. SIR પ્રક્રિયાને હવે બે દિવસ બાકી છે. આ પ્રક્રિયા હેઠળ અત્યારસુધી 98.01 ટકા મતદારોને આવરી લેવામાં આવ્યા છે.
બિહારની મતદાર યાદીમાં સામેલ 20 લાખ મતદારોના નિધન થઈ ચૂક્યા છે. જ્યારે આઠ લાખ મતદારોના સરનામા બદલાઈ ગયા છે. ચૂંટણી પંચે 50 લાખથી વધુ મતદારોના નામ દૂર કર્યા હોવાનું જણાવ્યું છે.
વિપક્ષનો શા માટે વિરોધ
બિહારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયામાં અનેક મતદારોના નામ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો તેમજ વિપક્ષો કરી રહ્યા છે. મીડિયા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ખાસ કરીને મુસ્લિમ, બંગાળી મૂળ અને શેરશહાબાદી સમુદાયના લોકોના નામ આ યાદીમાંથી ગુમ છે. પૂર્ણિયામાં 400 મુસ્લિમ મતદારોના નામ ગુમ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ તમામ લોકોએ 2024માં લોકસભા ચૂંટણીમાં મત આપ્યો હતો. ઉલ્લેખનીય છે, રાજ્યમાં નાગરિકતાના પુરાવાના અભાવે ઘણા મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજી કરવામાં આવી છે. જેના પર સુનાવણી ચાલુ છે.