વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ બોટનિકલ ગાર્ડનના સ્ટાફે જહેમત ઉઠાવીને ભૂખી કાંસના કિનારા પર લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ઈકો રિસ્ટોરેશન શરુ કર્યું છે અને તેના પરિણામો પણ સામે આવી રહ્યા છે.
ઈકો રિસ્ટોરેશનના ભાગરુપે નેટિવ પ્લાન્ટસ એટલે કે મૂળ ભારતના જ હોય તેવા નગોળ, ઉંબરો, જલ જાબુન, બાંબૂ, કરંજ, શિમળો જેવી પ્રજાતિઓના પ્લાન્ટસને રોપવામાં આવ્યા હતા અને તેનું જતન કરવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં અહીંયા ૨૦૦૦ કરતા વધારે પ્લાન્ટસને ઉગાડવામાં આવ્યા છે અને હજી પણ વિદ્યાર્થીઓની ટીમ સમયાંતરે વૃક્ષારોપણ કરે છે તેમજ પહેલેથી જે પ્લાન્ટસને ઉગાડવામાં આવ્યા છે તેનો ખ્યાલ પણ રાખે છે.
જેના કારણે હવે અહીંયા સજીવ સૃષ્ટિ પણ પૂરબહારમાં ખીલી રહી છે.સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના ટીવાયના વિદ્યાર્થીઓ ધર્મદીપસિંહ વાઘેલા, રુદ્ર શાહ, રાજવી સોલંકી, મિશ્વા પટેલ અધ્યાપક ધવલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઈકો રિસ્ટોરેશન કરાયું છે તે વિસ્તારનું નિરિક્ષણ કરી રહ્યા છે.
ધવલ ભટ્ટનું કહેવું છે કે, વડોદરા શહેરમાં કમાટીબાગ અને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ સજીવ સૃષ્ટિની વિવિધતા માટે પહેલેથી જ જાણીતા છે.ઈકો રિસ્ટોરેશન સાઈટના કારણે હવે સજીવ સૃષ્ટિના વૈવિધ્યમાં વધારો થયો છે.આ સાઈટ અને તેની આસપાસમાં ૪૦ જેટલી પ્રજાતિઓના પક્ષી, ૩ પ્રકારના ઉભયચર, ૩ પ્રકારના સસ્તન પ્રાણીઓ અને ૫ાંચ પ્રકારના સરીસૃપ પ્રાણીઓ એમ ૫૧ પ્રકારની અલગ અલગ પ્રજાતિઓ અહીંયા જોવા મળી છે.સાઈટના કારણે પક્ષીઓની સંખ્યા વધી છે તેવું ચોક્કસ કહી શકાય.
૮૦૦ મીટરની વન કેડી, પતંગિયાની ૨૫ પ્રજાતિઓ
બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક અને ઈકો રિસ્ટોરેશન પ્રોજેકટ સાથે સંકળાયેલા ડો. પી એસ નાગરના કહેવા પ્રમાણે બોટનિકલ ગાર્ડનથી લઈને રિસ્ટોરેશન સાઈટ સુધી લગભગ ૮૦૦ મીટરની એક પગદંડી બનાવવામાં આવી છે.જેને અમ વન કેડી નામ આપ્યું છે.આ વન કેડીનું ત્રણ દિવસ પહેલા જ લોકાર્પણ કરાયું છે.પક્ષીઓ, પ્રાણીઓની સાથે સાથે આ વિસ્તારમાં પતંગિયાઓની પણ ૨૫ જેટલી પ્રજાતિ મારા ધ્યાનમાં આવી છે.ખાસ કરીને પતંગિયાને ખોરાક મળી રહે તે પ્રકારના પ્લાન્ટસના કારણે હવે પતંગિતા આકર્ષાઈ રહ્યા છે.
કયા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે
ગ્રે હોર્નબિલ- ચિલોત્રો
વ્હાઈટ બ્રો ફેનઈલ ફ્લાયકેચર- નાચણ
વ્હાઈટ થ્રોટેડ ફેનટેઈલ ફ્લાયકેચર-ટપકીલી નાચણ
લેસર ફ્લેમબેક વૂડપેકરઃ નાનો સોનેરી લક્કડખોદ
સ્પોટેલ ઓવલેટ- ચીબરી
રુફસ ટ્રીપી- ખેરખટો
કોપરસ્મિથ બારબેટ- કંસારો અથવા ટુકટુકિયો
કયા ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન પ્રાણીઓ દેખાયા
મગર, સોફ્ટ શેલ ટર્ટલ, મોનિટર લિઝાર્ડ, ઈન્ડિન કોબ્રા, રેટ સ્નેટક, ચેકર્ડ કિલબેક, હનુમાન લંગુર, જંગલી ડુક્કર, ચામાચિડિયું, શાહુડી, ખિસકોલી
બ્યુટિફિકેશનનો અર્થ માત્ર સિમેન્ટ- ક્રોંક્રિટ નથી
ઈકો રિસ્ટોરેશન સાઈટસે સાબિત કર્યું છે કે, બ્યુટિફિકેશનનો અર્થ માત્ર સિમેન્ટ કોંક્રિટના બાંધકામો નથી હોતા.સજીવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને વધારે ખર્ચ વગર પણ પ્રકૃતિની સુંદરતાને સાચવી શકાય છે.
વિદ્યાર્થીઓની ગ્રીન આર્મીનો મોટો ફાળો
સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની ગ્રીન આર્મી બનાવવામાં આવી હતી.ઈકો રિસ્ટોરેશન સાઈટ માટે ગ્રીન આર્મીનો મોટો ફાળો છે.ગ્રીન આર્મીમાં અત્યારે ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓ સભ્ય છે.તેઓ પ્લાન્ટેશન કરવાની સાથે સાથે ગાર્ડનના સ્ટાફ સાથે મળીને પ્લાન્ટેશનનું ધ્યાન પણ રાખે છે.