– અકસ્માતમાં પરિવારના 4 સભ્યોને ઇજા
– વાસદથી સંબંધીને ખબર કાઢીને પરિવાર રિક્ષામાંથી પરત આવતી વખતે અકસ્માત
આણંદ : આણંદના વહેરાખાડી રોડ પર ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત થયા હતા. પરિવાર રિક્ષામાં વાસદથી પરત ઘરે આવતી વખતે અકસ્માત નડયો હતો. આ મામલે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
આણંદના વાવપુરાના ખેરડા ગામે રહેતા દિનુભાઇ ફુલાબાઇ ભોઇ ( ઉ.વ. ૪૨) એ ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૨૨મીએ સાંજના સમયે દિનુભાઇનો નાના પુત્ર પ્રફુલ્લભાઇનની સાળી પિનાલ બહેનના સસરા બિમાર છે. તેઓની ખબર કાઢવા વાસ જવાનું નક્કી કર્યું હતું. રિક્ષા લઇને દિનુભાઇ અને તેમના પત્ની સુમિત્રા બહેન, પુત્ર પ્રફુલ્લભાઇ, મનીષભાઇ, નાના દીકરાની પત્ની પ્રિયાંશી અને પૌત્ર પ્રિન્સ સાથે સાંજે છ વાગ્યે વાસદ જવા માટે નિકળ્યા હતા અને સાંજના સાત વાગ્યા વાસદ બ્રાહ્વાણના ટેકરા ખાતે પહોંચી ગયા હતા. બાદમાં રાત્રે જમી પરવારીને બાર વાગ્યે પરત આવવા માટે નિકળ્યા હતા.
વહેરાખાડી ગામ પાસે રોડ પર પેટ્રોલ પંપ નજીક ટેન્કરે રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષામાંથી બેઠેલા પરિવાર રોડ પર ફંગોળાઇ જતા ગંભીર ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજાથી સુમિત્રા બહેનનું મોત થયું હતું. ઇજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પૌત્ર પ્રિન્સને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે સુમિત્રા બહેનની લાશને પીએમ માટે સારસા સીએચસીમાં લઇ જવાઇ હતી. પ્રિન્સની લાશને હોસ્પિટલમાં રાખવામાં આવી છે.
આ મામલે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.