ED Raids Anil Ambani-Linked Premises: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી (RAAGA)ની 50 કંપનીઓ અને 35 સ્થળો પર ગઈકાલે બુધવારે દરોડા પાડ્યા હતાં. યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેન્ક, બેન્ક ઓફ બરોડા, અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.
3000 કરોડનું લોન કૌભાંડ
ઈડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનિલ અંબાણી ગ્રૂપે 2017 અને 2019માં યસ બેન્ક પાસેથી રૂ. 3000 કરોડની લોન લીધી હતી. જેને શેલ કંપનીઓ અને ગ્રૂપની અન્ય કંપનીઓમાં ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપ હતો. તપાસમાં જાણવા મળ્યું કે, યસ બેન્કના અધિકારીઓ અને તેના પ્રમોટરસને લાંચ આપવામાં આવી હતી. એજન્સીની તપાસમાં યસ બેન્કની લોન મંજૂરી પ્રક્રિયામાં ભારે ખામીઓ જોવા મળી હતી. ક્રેડિટ ડોક્યુમેન્ટ્સ, અનુપાલનની ખામી, તેમજ જે કંપનીઓને આટલી મોટી રકમની લોન આપવામાં આવે તેના નબળા ફંડામેન્ટલ્સ અને ડિરેક્ટર્સ વગેરે…
તેમાં લોનની શરતોનું ઉલ્લંઘન, ખાતાઓમાં ગેરરીતિ અને લોન મંજૂરીના દિવસે અથવા તે પહેલાં જ ચુકવણી થઈ હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા હતાં.
50 કંપનીઓ, 25 લોકો સંકજામાં
ઈડીએ ડિફોલ્ટર અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 25 લોકોની તપાસ હાથ ધરી છે. સેબીએ પણ રિલાયન્સ હોમ ફાઈનાન્સ સંબંધિત ગેરરીતિ દર્શાવતો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યા હતાં.
RAAGAની કંપનીના શેર કડડભૂસ
ઈડીના દરોડાના અહેવાલ બાદ આજે રિલાયન્સ પાવરના શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ વાગી છે. જ્યારે રિલાયન્સ ઈન્ફ્રાનો શેર પણ 5 ટકાના લોઅર સર્કિટ સાથે 360.05 પર પહોંચ્યો હતો. જે છેલ્લા કેટલાક સમયથી તેજીમાં હતાં. આ તેજી પાછળનું કારણ અનિલ અંબાણી ગ્રૂપ દ્વારા ક્યુઆઈપી, એનસીડી, પ્રેફેરેન્શિયલ શેર્સ ઈશ્યૂ મારફત હજારો કરોડોનું ફંડ એકત્ર કરવાની જાહેરાત છે.