રેલનગરમાં રહેતી મહિલાની પ્ર.નગરમાં ફરિયાદ : જુદા જુદા બહાના હેઠળ મહિલા પાસેથી રોકડ અને દાગીના લઈ પરત જ ન આપ્યા
રાજકોટ, : સોશ્યલ મીડીયા થકી મિત્ર બનેલા ભાવીન હર્ષદભાઈ રાયચુરાએ રોયલનગરમાં ગુલમહોર પ્લાઝામાં રહેતી ભુમીબેન ધવલભાઈ પુજારા (ઉ.વ. 32)ની રૂ. 2.46 લાખની મત્તા ઓળવી લીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
ફરીયાદમાં નોકરી કરતા ભુમીબેને જણાવ્યું છે કે, છ મહિના પહેલા ભાવીન સાથે સોશ્યલ મીડીયા થકી મીત્રતા બાદ પારીવારીક સંબંધો બંધાયા હતાં. જેને કારણે તે અવાર નવાર તેના ઘરે પણ આવતો હતો. તેણે તેના મમ્મી અને તેને ટીફીનમાં કામ અપાવવાની વાત કરી કહ્યું કે, મેટોડાની એક કંપનીનું તેને કામ મળ્યું છે. જેથી રાજકોટ આવવાનું થશે. રાજકોટમાં તેને કોઈ ઓળખતું ન હોવાથી તેના ઘરે રહેવાની વાત કરી હતી. તેણે અને પતીએ સહમતી આપતા ભાવીન અને તેની પત્ની પાયલ તેના ઘરે ત્રણ મહિના સુધી રોકાયા હતાં.
એક દિવસ ભાવીને પગાર મોડો થશે તેમ કહી તેને ક્રેડીટ કાર્ડ મારફત રૂ. 62,000 ઉપડાવ્યા હતાં. આ પછી બીજા 17,000 પણ ઉપડાવ્યા હતાં. થોડા દિવસો બાદ તેના નામે લોન કરાવી રૂ. 22,000નો મોબાઈલ લીધો હતો. જેના હપ્તા પોતે ભરશે તેમ કહ્યું હતું. ત્યાર પછી બાઈકની લોન પુરી કરવાની છે તેમ કહેતા તેના ભાઈ મહેક શૈલેષભાઈ આડતીયા પાસેથી રૂ. 42,000 અપાવ્યા હતાં. તેના થોડા દિવસો પછી તેને કહ્યું કે, તારા પતિ દેવુ ભરવામાં સોનુ વેચી નાખશે. જેથી તે સોનુ મને સાચવવા આપી દે તેમ કહેતા તેને પોતાનું મંગળ સુત્ર, સોનાનું પેન્ડન્ટ, સોનાની બે વીટી મળી રૂ. 1.50 લાખની કિંમતના અઢી તોલા સોનાના દાગીના આપી દીધા હતાં. દોઢેક માસ પહેલા ભાવીન અને તેની પત્ની તેના ઘરેથી જતા રહ્યા બાદ કોલ કરતા પૈસા અને દાગીના આપવા બાબતે ખોટા બહાના બતાવતો હતો. આ રીતે રૂ. 2.46 લાખની તેની મત્તા પરત નહી આપતા આખરે તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.