વડોદરાઃ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ થકી પ્રવેશ માટેનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સૌથી વધારે બેઠકો એમ.એસ.યુનિવર્સિટીમાં ભરાઈ છે.
જીકાસ પોર્ટલ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેલી તકલીફની ફરિયાદો વચ્ચે રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં ૩૦ ટકાથી લઈને ૭૦ ટકા બેઠકો ભરાઈ છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ, આર્ટસ, કોમર્સ સહિતના વિવિધ ડિગ્રી કોર્સમાં ૯૦ ટકા કરતા વધારે બેઠકો ભરાઈ ચુકી છે.
એમ.એસ.યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા એફવાયમાં ૧૧૮૨૯ બેઠકો પર પ્રવેશ આપવામાં આવનાર છે અને આ પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ ગઈ છે.જેના પર વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે.આમ એમ.એસ.યુનિવર્સિટી અત્યારે પહેલા ક્રમે છે.યુનિવર્સિટીમાં આર્ટસ અને સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં જગ્યાઓ ખાલી હતી પરંતુ પ્રવેશના ત્રીજા અને ચોથા રાઉન્ડમાં આ જગ્યાઓ પણ ભરાઈ રહી છે.જેના કારણે હાલમાં ૮૦૦ જેટલી જ જગ્યાઓ ખાલી રહી છે.
જોકે, મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ કદાચ ચિત્ર બદલાઈ શકે છે અને થોડી બેઠકો ખાલી પડી શકે છે.