– એક મહિલા સહિત સાત લોકો વિરૂદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ
– મહિલાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું
ભાવનગર : બોટાદમાં રહેતી મહિલાને ફરિયાદ પાછી ખેંચી લેવાં માટે એક મહિલા સહિત સાત લોકોએ ધમકી આપી દબાણ કરતા મહિલાએ ફિનાઇલ ગટગટાવી લીધું હતું.
બોટાદના સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસે રહેતા જમીલાબેન સિકંદરભાઈ નાજાણીને બે મહિના પહેલા માસી અફસાનાબેન મુન્નાભાઈ નરાસડાએ કુટુંબી જેઠ ઝાકીર ઉર્ફે મુન્ના કાસમભાઈ નાજાણી તથા સિરાજભાઈ ઉર્ફે હકીમભાઈ કાસમભાઈ નાજાણી વિરૂધ્ધ પોકસોની ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી જમીલાબેનને સિરાજ ઉર્ફે હકિમભાઈ નાજાણી ઘરની ડેલી પાસે આવી જમીલાબેનને કહેલ કે ભાઈ આસીફ ઉર્ફે ૧૨ નંબરને મારી નાખવાનો છે. અને પતાવી દેવાનો છે. તેવી ધમકી આપી હતી. દરમિયાનમાં બંને દિયર અસ્લમ ઉમરભાઈ નાજાણી તથા જાવિદ ઉંમરભાઈ નાજાણી તથા કુટુંબી નણંદ રેશમાબેન અમીનભાઈ નરાસડા છેલ્લા પાંચેક દિવસથી જમીલાબેનને સતત માનસિક ટોર્ચર તથા ત્રાસ આપી ભાઈ આસિફ ઉર્ફે ૧૨ નંબરને મારી નાખવાની તથા પોક્સોની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરતા હતા. તથા કુટુંબી જેઠ કાદર રૂસ્તમભાઈ નાજાણી તથા મોહસીન રૂસ્તમભાઈ નાજાણી પણ આ લોકોની સાથે મળી જમીલાબેનને સતત માનસિક ત્રાસ આપી ભાઈ આશિફ ઉર્ફે ૧૨ નંબરને મારી નાખવાની ધમકી આપતા હતા.આ માનસિક ત્રાસના કારણે જમીલાબેનને મન માં લાગી આવતા ગઈ કાલ તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ના સવારના આશરે સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં મારા ઘરે પડેલ ફિનાઈલ પી લીધું હતું.મહિલાને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે જમીલાબેનને એક મહિલા સહિત સાત લોકો વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.