– સામરખા ગામ પાસે હાઇવે પર
– રોડ ક્રોસ કરતા બાઇકને ઇકોએ ટક્કર મારતા અકસ્માત, ઇકોના ચાલક સામે ગુનો
આણંદ : આણંદ પાસેના સામરખા નજીક એક્સપ્રેસ હાઈવે ગરનાળા પાસે રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને એક ઇકો કારના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના સામરખા ગામે રહેતા જનમેશ વિનુભાઈ પટેલ સામરખા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા કોમ્પલેક્ષમાં ચા ની દુકાન ચલાવે છે ગતરોજ તેમનો નાનો ભાઈ ગોકુલેશ પટેલ બાઈક લઈને નાસ્તો લેવા માટે ગયો હતો. નાસ્તો લઈને તે સામરખા ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે સામરખા એક્સપ્રેસ હાઈવેના ગરનાળા નજીકથીબાઈક લઈને પસાર થતો હતો.સામરખા તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલી ઇકો કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ગોકુલેશ પટેલ રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરતા ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ગોકુલેશ પટેલને તુરંત જ સારવાર અર્થે આણંદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે ગોકુલેશ પટેલને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે જનમેશ પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના ચાલક સતીશ રમણભાઈ વસાવા (રહે ચાવડાપુરા જીટોડીયા) વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.