વડોદરા,કરનાળી મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાના ગળામાંથી સોનાનું અઢી તોલા વજનનું મંગળસૂત્ર ચોરાઇ ગયું હતું.
ડભોઇ તાલુકાના સાઠોદ ગામે રહેતા જ્યોત્સના બેન તથા તેમના પતિ લલિતચંદ્ર ભીખાભાઇ પાટણવાડિયા ગઇકાલે અમાસ હોઇ પતિ સાથે કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરવા ગયા હતા. તેઓ નર્મદા કિનારે સ્નાન કરીને કુબેર ભંડારી મંદિરના પાછળના ભાગે આવેલા મહાકાળી ઘાટ થઇને મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં લોકોની ભીડ હતી. ત્યાંથી દર્શન કરીને બહાર નીકળી તેઓ પગથિયા ચઢતા હતા. તે દરમિયાન જાણ થઇ કે, જ્યોત્સનાબેનના ગળામાંથી સોનાનો અછોડો ગાયબ છે. સીસીટીવી ચેક કરતા ત્રણ મહિલાઓ તેમના ગળામાંથી અઢી તોલા વજનનું મંગળસૂત્ર ચોરી ગઇ હતી. જ ેઅંગે ચાણોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.