– વિપક્ષના વિરોધ વચ્ચે હવે આખા દેશમાં મતદાર યાદી સુધારણા કરાશે
– બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા પાછી ખેંચવાની માગ સાથે વિપક્ષના ઉગ્ર દેખાવોના કારણે સંસદ સતત ત્રીજા દિવસે ઠપ
નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચૂંટણી પંચે હાથ ધરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘એસઆઈઆર’નો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. આ અભિયાન હેઠળ તેમને ૭.૨૩ કરોડ મતદારોના ફોર્મ મળ્યા છે. બિહારની નવી સંભવિત મતદાર યાદીમાંથી ૬૧ લાખ લોકોના નામ કપાવાની શક્યતા છે તેમ ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું. બીજીબાજુ એસઆઈઆર અંગે વિપક્ષ ઉગ્ર વિરોધ વચ્ચે હવે ચૂંટણી પંચે બિહાર પછી આખા દેશમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનર્નિરીક્ષણ (એસઆઈઆર)ની તૈયારી શરૂ કરી છે.
ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, બિહારમાં મતદાર યાદીમાં સુધારા માટેના વિશેષ સઘન પુનર્નિરીક્ષણ (એસઆઈઆર)નો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે, જેમાં બિહારના ૯૯.૮ ટકા મતદારોને આવરી લેવાયા છે. બિહારના ૭.૨૩ કરોડ મતદારોના ફોર્મ મળી ગયા છે અને તેમનું ડિજિટલીકરણ થઈ ગયું છે. આ બધા જ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરાશે. બાકીના મતદારોના ફોર્મ અને બીએલઓ રિપોર્ટ્સનું ડિજિટલીકરણ પણ ૧ ઑગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, ૧ ઑગસ્ટે પ્રકાશિત થનારી નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યમાંથી ૬૧ લાખથી વધુ નામ કપાવાની શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ૨૧.૬ લાખ મતદારોનાં મોત થયા છે, ૩૧.૫ લાખ લોકો સ્થાયીરૂપે અન્ય રાજ્યોમાં જતા રહ્યા છે. ૭ લાખ લોકો એવા છે જેમણે એક કરતા વધુ જગ્યાએ નોંધણી કરાવી છે અને ૧ લાખ લોકો તેમના સરનામાઓ પર મળ્યા નથી.
દરમિયાન બિહારમાં ચૂંટણી પંચના એસઆઈઆર અભિયાનના વિરોધમાં દિલ્હીમાં સતત ત્રીજા દિવસે સંસદ ઠપ રહી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત ઈન્ડિયા બ્લોકના અનેક સાંસદોએ સંસદ પરીસરમાં પ્લેકાર્ડ લઈને દેખાવો કર્યા હતા. વધુમાં તેમણે ‘એસઆઈઆર’ લખેલા પ્લેકાર્ડ્સને ફાડીને એક ડસ્ટબીનમાં નાંખી ચૂંટણી પંચની આ પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
બીજીબાજુ વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે ચૂંટણી પંચે બિહાર પછી હવે આખા દેશમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ સઘન પુનર્નિરીક્ષણ (એસઆઈઆર) કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી છે. ચૂંટણી પંચે મતદાર યાદીઓમાં એસઆઈઆર અંગે તેના આદેશમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચે મતદાર યાદીની અખંડતા અને શુદ્ધતાના રક્ષણ માટે પોતાના બંધારણીય જનાદેશ માટે હવે આખા દેશમાં વિશેષ સઘન પુનર્નિરીક્ષણ શરૂ કરાવવાનો નિર્ણય કર્યો છે. બિહાર પછી હવે દેશના બાકીના રાજ્યોમાં એસઆઈઆર માટેનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.