– નેશનલ હાઈવે નં.-48 પરની ઘટના
– કલોલના છત્રાલ ગામના ઈજાગ્રસ્ત યુવકને અમદાવાદ સિવિલ લઈ જતા મૃત્યુ
નડિયાદ : નેશનલ હાઇવે નં.૪૮ વણસર ગામની સીમ નજીક રોડ ક્રોસ કરતા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કલોલ તાલુકાના છત્રાલ ગામમાં રહેતા મુન્ના કુમાર રાજ કિશોર દુબે વણસર ખાતે સ્મિથ કંપનીમાં કન્ટેનર લઈને આવ્યો હતો.
કન્ટેનર મૂકી કંપનીમાંથી બહાર નીકળી નેશનલ હાઈવે ઓળંગી ગામમાં જતો હતો. દરમિયાન અમદાવાદથી વડોદરા તરફ જતા અજાણ્યા વાહને ટક્કર મારતા મુન્નાકુમારને શરીર ઉપર ગંભીર ઇજા થઈ હતી.
ઈજાગ્રસ્ત યુવકને તુરંત જ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા રાત્રિના પોણા બે વાગ્યાના સુમારે મુન્નાકુમાર દુબે (ઉં.વ.૩૩)નું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાજકુમાર રાજ કિશોર દુબેની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.