– ખુરશીનો નશો માથા પર ચઢી જાય તો ન્યાય નહીં પાપ જ થશે : જસ્ટિસ ગવઈ
– નિવૃત્તિ પછી સરકારી પદ કે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવે તે ઘટનાઓ ન્યાયાધીશની નૈતિકતા માટે અનેક સવાલો ઊભા કરે છે
– અરજદારોના ઘરઆંગણા સુધી ન્યાય પહોંચાડવા માટે ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું અત્યંત જરૂરી : મુખ્ય ન્યાયાધીશ
અમરાવતી : મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ન્યાયતંત્ર અને વહીવટી તંત્રના પદો પર બેઠેલા લોકોને ચેતવણી આપતા હોય તેમ એક સમારંભમાં કહ્યું હતું કે, ખુરશી માથા પર ચઢી જાય તો ન્યાય કે સેવા નહીં પરંતુ પાપ જ થશે. સાથે તેમણે અરજદારોના ઘર સુધી ન્યાય પહોંચાડવા માટે ન્યાયતંત્રના વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો હતો. વધુમાં સીજેઆઈ ગવઈએ ન્યાયાધીશો અને વકીલોને પણ તેમના વર્તન માટે સંભળાવી દીધું હતું. તેમણે સરકાર અને કોર્ટોમાં રેડ ટેપિઝમ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રના અમરાવતીમાં ન્યાયાલયની નવી બનેલી ભવ્ય ઈમારતનું ઉદ્ધાટન કરતા મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ ન્યાયતંત્ર, વહીવટી અધિકારીઓ અને વકીલ સમુદાયને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, આ ખુરશી જનતાની સેવા માટે છે, ઘમંડ કે અહંકાર માટે નહીં. ખુરશી જો માથે ચઢી જાય તો તે સેવા નહીં પરંતુ પાપ બની જાય છે. જે લોકોના માથામાં સત્તાનો મદ ચઢી ગયો હોય તે ન્યાય કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશે વહીવટી અધિકારીઓ જ નહીં પરંતુ ન્યાયાધીશો અને વકીલોને પણ ખરું-ખોટું સંભળાવ્યું હતું. તેમણે કહ્યું કે, ન્યાયાધીશોએ વકીલોને સન્માન આપવું જોઈએ. આ કોર્ટ વકીલ અને ન્યાયાધીશો બંનેની છે.
બીજીબાજુ જુનિયર વકીલોને ચેતવણી આપતા સૂરમાં તેમણે કહ્યું કે, ૨૫ વર્ષના વકીલ જજની ખુરશી પર બેસી જાય છે અને ૭૦ વર્ષના સિનિયર વકીલ આવે છે તો તેમના સન્માનમાં ઊભા પણ થતા નથી. તેમણે થોડીક તો શરમ કરવી જોઈએ. સિનિયરનું સન્માન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે, તમને જિલ્લા અધિકારી, પોલીસ સુપરીન્ટેડેન્ટ કે ન્યાયાધીશની કોઈપણ ખુરશી મળે તેને માત્ર જનસેવાનું માધ્યમ બનાવવી જોઈએ. આ ખુરશી જો માથામાં ઘૂસી જશે તો ન્યાય ખતમ થઈ જશે, સેવા ખતમ થઈ જશે અને માત્ર અહંકાર જ બાકી રહી જશે.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, અરજદારોને તેમના ઘરઆંગણે ન્યાય અપાવવા માટે ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટિના પ્રમુખ તરીકે તેમણે નવા તાલુકા અને જિલ્લા સ્તરીય કોર્ટોની સ્થાપનાનું એક મોડેલ તૈયાર કર્યું હતું. તેમની આ દરખાસ્ત પર કામ થઈ રહ્યું છે, પરંતુ કોર્ટો અને સરકારમાં રેડ ટેપિઝમ એટલે કે લાલફિતાશાહી એક સમાન છે. વહીવટી તંત્રમાં સુધારા માટે રેડ ટેપિઝમ દૂર થવી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ ગવઈ દરિયાપુરમાં તેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નહીં પરંતુ જિલ્લાના રહેવાસી તરીકે આવ્યા છે. સીજેઆઈ ગવઈ તેમના પિતા આરએસ ગવઈની ૧૦મી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમના પિતા કેરળ અને બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે દરિયાપુરની કોર્ટો સમાજના અંતિમ વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડશે.
આ વર્ષે મે મહિનામાં મુખ્ય ન્યાયાધીશનું પદ મેળવનારા બીઆર ગવઈ નવેમ્બર ૨૦૨૫માં નિવૃત્ત થવાના છે ત્યારે તેમણે કહ્યું કે, તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ સ્વીકાર નહીં કરે. તેઓ કન્સલટેશન અને મિડિએશન કરશે. નિવૃત્તિ પછી તુરંત ન્યાયાધીશો સરકારી નિમણૂકો સ્વીકારે અથવા ચૂંટણી રાજકારણમાં પ્રવેશે તો તે મહત્વપૂર્ણ નૈતિક મુદ્દા ઊભા કરે છે. નિવૃત્તિ પછી તેમની પાસે ઘણો સમય હશે. તેથી તેઓ તેમના પૈતૃક ગામ દરાપુર, અમરાવતી અને નાગપુરમાં વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરશે.