India Wins Asia Cup 2025: જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતાએ ભારતીય ટીમના એશિયા કપ 2025માં ટ્રોફી ના સ્વીકારવાના નિર્ણયની પ્રશંસા કરી છે. શહીદ વિનય નરવાલના પિતા રાજેશ નરવાલે કહ્યું કે, ‘ભારતીય ટીમે સાચો સંદેશ આપ્યો કે રમત એક અલગ વસ્તુ છે, પરંતુ અમે તમારા સંપર્કમાં રહીશું નહીં. હું આ મજબૂત નિર્ણય માટે ભારતીય ટીમ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આભાર માનું છું.’
સૂર્યકુમાર યાદવે સંપૂર્ણ ફી પીડિત પરિવારોને દાનમાં આપી
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપની બધી મેચની પોતાની સંપૂર્ણ ફી પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને દાનમાં આપી દીધી છે. સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, ‘મારી પ્રાર્થના હંમેશા પહલગામ હુમલાના પીડિતો સાથે રહેશે. એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે મેચ રમવી જોઈએ કે નહીં તે અંગે લાંબી ચર્ચા ચાલી હતી, પરંતુ આખરે બીસીસીઆઈએ નિર્ણય લીધો કે ભારતીય ટીમે ભાગ લેવો જોઈએ. દલીલ એવી હતી કે જો આપણે બહુપક્ષીય ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લઈએ, તો પાકિસ્તાનને એક પણ મેચ રમ્યા વિના વોકઓવર મળશે.’
આ પણ વાંચો: એશિયા કપ: ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે કે નહીં? જાણો ICCનો નિયમ
એવું માનવામાં આવે છે કે આ જ કારણ હતું કે ભારતીય ટીમે રમવાનું નક્કી કર્યું. વધુમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનની ટીમ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય લીધો. વધુમાં પાકિસ્તાના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હતી. આ એ જ મોહસીન નકવી છે જે વારંવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાન સામે રમવાના નિર્ણય અંગે સરકાર પર પ્રહારો કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ‘જો સૂર્યકુમાર યાદવમાં હિંમત હોત, તો તે પાકિસ્તાન સામેની મેચ ફી પહલગામ પીડિતોને દાન આપી દે.’ ત્યારબાદ સૂર્યકુમાર યાદવે જાહેરાત કરી છે કે તેઓ તેમની સંપૂર્ણ એશિયા કપ મેચ ફી દાન કરશે.