Imran Pratapgarhi Poem : કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવાના મામલે તેમના વિરૂદ્ધ નોંધેલી FIRને રદ કરી દેવામાં આવી છે. કવિતા સંબંધી આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૌલિક અધિકારોની રક્ષા થવી જોઇએ. પોલીસ મૂળભૂત રક્ષણની રક્ષા કરે. જસ્ટિસ અભ્ય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની પીઠે આ ફેંસલો સંભળાવ્યો છે.
અભિવ્યક્તિની આઝાદી પર સુપ્રી કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને સાર્થક બનાવે છે. કલાના માધ્યમથી અભિવ્યક્તિની આઝાદી જરૂરી છે. વિચારોનું સન્માન થવું જોઇએ. ઇમરાન પ્રતાપગઢીએ FIR રદ કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા પર ગુજરાત પોલીસે ઇમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.
કલા દ્વારા અભિવ્યક્તિની આઝાદી જરૂરી
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે સંવિધાન અનુસાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર યોગ્ય પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે, પરંતુ યોગ્ય પ્રતિબંધ નાગરિકોના અધિકારોને કચડવા માટે અયોગ્ય અને કાલ્પનિક ન હોવું જોઇએ. કવિતા, નાટક, સંગીત, વ્યંગ સહિત કલાના વિભિન્ન રૂપ માનવ જીવનને વધુ સાર્થક બનાવે છે અને લોકોને તેના માધ્યમથી અભિવ્યક્તિની સ્વંત્રતા આપવી જોઇએ.
ઇમરાન પ્રતાપગઢી પર શું છે આરોપ?
આ મામલે ફરિયાદીઓના જણાવ્યા અનુસાર જામનગરમાં એક લગ્ન સમારોહમાં ભાગ લીધા બાદ પ્રતાપગઢીએ એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં ”એ ખૂન કે પ્યાસે બાત સુનો” કવિતા ચાલી રહી હતી. કવિતાના શબ્દોને આપત્તિજનક ગણાવ્યા હતા. ફરિયાદ પર કાર્યવાહી કરતાં ગુજરાત પોલીસે 3 જાન્યુઆરીના રોજ પ્રતાપગઢી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અંતગર્ત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.