Banaskantha News : અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વીડિયો ગેમના રવાડે ચઢી 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ ધારદાર વસ્તુ વડે કાપા મારી ઈજા પહોંચાડવાની ઘટના બાદ હવે ડીસાની શાળામાં પણ આ પ્રકારે વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતાં સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ મામલે શિક્ષકોએ મૌન સેવી લીધું છે અને મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાળાના સ્ટાફ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાની એક શાળામાં ધોરણ 6થી 8ના કેટલાક વિદ્યાર્થીઓ પોતાના હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતાં શાળા દ્વારા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કરી વાતચીત કરી હતી. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતો. જેમાં વીડિયો ગેમના લીધે નહીં પરંતુ બાળકોએ દેખાદેખીમાં ધારદાર વસ્તુના કાપા માર્યા હતા.
આ પણ વાંચો: બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા
આ ઘટના બાદ બાળકો અને વાલીઓને મોબાઇલ ગેમ્સના લીધે બાળકો પર કેવી હિંસક માનસિક અસર પડે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર થતી આડઅસરો વિશે જાગૃતતા આપવામાં આવી હતી. કોઈ પ્રોબ્લમ હોય તો હેલ્પલાઇન પર કોલ કરવા જણાવ્યું હતું.