વડોદરા : હરણી તળાવામાં બોટિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં ૧૨
વિદ્યાર્થી અને ૨ શિક્ષિકા સહિત ૧૪ લોકોના મોત નિપજવાના બનાવમાં હાઇકોર્ટે
કોન્ટ્રાક્ટરને રૃા.૩.૫ કરોડ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે
કોન્ટ્રાક્ટર મેસર્સ કોટીયા પ્રોજેક્ટે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી સ્ટેની
માંગણી કરતા સુપ્રિમ કોર્ટે ૩.૫ કરોડ જમા કરાવવાના આદેશ સામે સ્ટે આપી મૃતકના
પરિવારજનોને વળતર પેટે રૃા.૧.૨૦ કરોડની રકમ છ અઠવાડિયામાં ચૂકવી આપવાનો
ડે.કલેક્ટરને આદેશ કર્યો હતો. પિટિશનની વધુ સુનાવણી હવે સપ્ટેમ્બર માસમાં થશે.
ઉલ્લેખનીય છે કે, હરણી તળાવ ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શાળાના
વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવ્યા હતા અને તેઓ બોટિંગ માટે બોટમાં બેઠા હતા.
કોન્ટ્રાક્ટરે બોટની કેપેસિટી કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ ઉંધી વળી ગઇ હતી
અને ૧૨ વિદ્યાર્થી તેમજ ૨ શિક્ષિકાના મોત થયા હતા. બનાવમાં ૧૫ જેટલા લોકોનો આબાદ
બચાવ થયો હતો.
આ બનાવ બેદરકારીના કારણે બન્યો હોવાના કારણે હરણી પોલીસ
સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કોટીયા પ્રોજેક્ટ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો. દરમિયાનમાં આ બનાવ સંદર્ભે હાઇકોર્ટે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા
વિદ્યાર્થીઓ અને શિક્ષકના પરિવારજનોને વળતર પેટે રૃા.૪ કરોડ ચૂકવવાનો આદેશ કર્યો
હતો. આ આદેશ સામે મેસર્સ કોટીયા પ્રોજેક્ટે હાઇકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી
હતી. કોન્ટ્રાક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, માત્ર તેને એકલાને જ
જવાબદાર ઠેરવી શકાય નહી પરંતુ ભાગીદારો તેમજ વીમા કંપનીને પણ પ્રતિવાદી તરીકે
સામેલ કરવા જોઇએ.
જો કે, હાઇકોર્ટે રિવ્યૂપિટિશન રદ કરી હતી અને રૃા.૩.૫
કરોડ જમા કરાવવાનો આદેશ કર્યો હતો, જેમાં ૨૫ ટકા રકમ ૩૧
માર્ચ સુધીમાં ચૂકવવાનો અને બાકીની રકમ માસિક ધોરણે જમા કરાવવાનો આદેશ કર્યો
હતો.રિવ્યૂપિટિશન રદ થતાં તેની સામે સુપ્રિમકોર્ટમાં પિટિશન દાખલ કરી હાઇકોર્ટના
આદેશ સામે સ્ટેની માંગણી કરવામાં આવી હતી. તેમજ રજૂઆત કરવામાં આવી હતી કે, વળતર પેટે પહેલા રૃા.૮૧,૯૯,૬૬૪
અને ત્યાર બાદ રૃા.૩૦,૭૪,૮૮૦ની રકમ
ડે.કલેક્ટર સમક્ષ જમા કરાવવામાં આવી છે અને આ રકમ ચૂકવવામાં આવે તો તેમને કોઇ
વાંધો નથી.
અરજદારે વધુમાં કેસમાં પ્રતિવાદી તરીકે ભાગીદારો તેમજ વીમા
કંપનીને સામેલ કરવામાં આવે તેવી પણ દાદ માગી હતી. સુપ્રિમ કોર્ટે રૃા.૩.૫ કરોડની
રકમ જમા કરાવવાના આદેશ સામે સ્ટે આપી રૃા.૧.૨૦ કરોડની રકમ છ અઠવાડિયામાં મૃતકોને
ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. પિટિશનની વધુ સુનાવણી હવે સપ્ટેમ્બર માસમાં થશે.