Gujarat News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદ્દાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લીધી હતી. આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા જીલ ભરતભાઈ પંચમતીયાની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી સિલસિલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં આરોપી દ્વારા વિવિધ સરકારી હોદ્દાઓ ધરાવતો હોવાનું જણાવી બોગસ નંબર પ્લેટ, ઓળખ કાર્ડ, લેટરપેડ સાથેનું સાહિત્ય પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત ચીટર શખસ દ્વારા રાજકોટ ખાતે રહેતા એક પરિવારને વિશ્વાસમાં લઈ, આશરે રૂપિયા અડધા કરોડ જેટલી રકમ પડાવી હોવાનું પણ જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી જીલ પંચમતીયા સામે કુલ 8 એફ.આઈ.આર. નોંધાઈ છે.
પોલીસે કરી અટકાયત
ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને સરકારી કચેરીઓમાં ચર્ચાસ્પદ બની ગયો છે. મળતી માહિતી મુજબ, ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા જીલ પંચમતીયા નામના શખસ દ્વારા પોતાની ટેક્સી પાસિંગની કાર નંબર GJ 03 KP 9113માં આગળની તરફ લગાવવામાં આવેલા બોર્ડમાં એડિશનલ કલેકટર એન્ડ એડિશનલ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ (એડીએમ) (પ્રોબેશન)ની પ્લેટ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત પાછળની બાજુ લાલ કલરની રેડિયમ સ્ટીકર સાથેની પ્લેટમાં આર.એસ.સી એન્ડ એ.ડી.એમ. (પ્રોબેશન) સાથેની પોતાની પ્લેટવાળી આકાર સંદર્ભે પોલીસ તપાસમાં ઉપરોક્ત શખસ દ્વારા પોતાની પાસે કોઈપણ પ્રકારનો સરકારી હોદ્દો ન હોવા છતાં પણ આ રીતે પોતાના વાહનમાં ક્લાસ વન કક્ષાના અધિકારીના હોદ્દાની પ્લેટ તેમજ ઉપર લાલ લાઈટ લગાવતા પોલીસે આ પ્રકરણમાં 22 માર્ચના રોજ ધોરણસર ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ત્રણ પોલીસકર્મીના પાર્થિવ દેહ વતન લવાયા, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
48 લાખની કરી છેતરપિંડી
આ ગંભીર ગુના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અગાઉ જીલ સાથે અન્ય એક આરોપી 55 વર્ષીય જૂનાગઢના કેતન દેસાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના દીકરા શિવરાજે જામનગરમાં ફિઝિયોથેરાપીમાં એડમિશન લીધું હતું. ડિસેમ્બર 2023માં જીલ પંચમતીયા શિવરાજ સાથે તેમના ઘરે આવ્યો હતો અને તેમની કારમાં ગવર્મેન્ટ ઑફ ગુજરાતનું બોર્ડ લગાવ્યું હતું અને તે એમ.પી.શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન છે તેવી ઓળખ આપી હતી. આ પ્રકારે વિશ્વાસમાં લઈને તેણે 14 ડિસેમ્બર, 2023ના દિવસે શિવરાજને MBBS માં એડમિશન અપાવવા પહેલાં 55 હજારની રકમ મેળવી હતી. બાદમાં મેડિકલ બોન્ડના નામે 27 ડિસેમ્બર, 2023ના દિવસે સાડા નવ લાખ અને આ રીતના ટુકડે-ટુકડે લાખો રૂપિયાની રકમ મેળવી લીધી હતી. આટલું ઓછું હતું તો ઘરના સભ્યો સાથે ગાઢ સંબંધ કેળવી કેતનભાઈની દીકરી કેશાને મામલતદાર કચેરીમાં નોકરી અપાવવા માટે 9 લાખ લીધા હતાં. આમ કેતન દેસાઈ સાથે કુલ 48,22,980 રૂપિયાની રકમ મેળવી છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, AMTS બસમાં કાર ધડાકાભેર ઘૂસી, એકનું મોત
રિમાન્ડ દરમિયાન થયા ખુલાસા
રિમાન્ડ દરમિયાન તેના ઘરમાં રાખવામાં આવેલા બે આઈ-કાર્ડ મળી આવ્યા હતા. જેમાં ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા ઈમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં તેની સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો આ આઈ-કાર્ડમાં દર્શાવ્યો હતો. અન્ય એક આઈ-કાર્ડમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તથા મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સાથે ઈ-મેલ આઈડી સાથેના કાર્ડમાં તેનું નામ અને હોદ્દો દર્શાવ્યો હતો. જોકે, આ બંને આઈ-કાર્ડ બનાવટી હોવાનું જાહેર થયું છે. તેના ઘરેથી બે ઓથોરિટી લેટર મળી આવ્યા હતા. જેમાં પ્રથમમાં ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા ઈમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટનો હતો. જેમાં તેની કિયા કાર નંબર GJ 37 M 2816 નો ઉપયોગ ઉપરોક્ત લેટરના આધારે કટોકટીના સમયમાં કરી શકે તે મલતબનું લખાણ હતું. આ પત્રમાં અશોક સ્તંભવાળો સિક્કો પણ લગાવવામાં આવ્યો હતો. તેમાં નીચે તેણે પોતે સહી કરી હતી.
રિમાન્ડ દરમિયાન પોલીસને તેના મકાનમાંથી મેગેઝીન સાથેની પિસ્તોલ અને સાત નંગ છરા મળી આવ્યા હતા. આ ઉપરાંત, આ સ્થળેથી અધિક પોલીસ મહાનનિર્દેશકની કચેરી સીઆઈડી (ક્રાઈમ અને રેલ્વે) ગાંધીનગરનો વર્ષ 2020નો પત્ર પણ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે જીલ પંચમતીયા સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કર્યો હતો.