વડોદરાઃ વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા બાદ પોલીસે જુદાજુદા વિભાગોનું સંકલન કરીને કામગીરી કરવી પડી છે ત્યારે આજે શહેર પાસેની ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પણ આવી જ રીતે માથાના દુખાવારૃપ બનેલી ટ્રાફિકની સમસ્યા માટે પોલીસે તમામ વિભાગોને સાથે રાખી આજે સપાટો બોલાવ્યો હતો.
વડોદરા થી હાલોલ જવાના માર્ગ પર આવેલી ગોલ્ડન ચોકડીની બંને બાજુનો વિસ્તાર નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ આવે છે.પરંતુ આ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે લાંબા સમયથી દબાણો થઇ ગયા છે અને તેને કારણે રોજ ટ્રાફિક જામ થતો હોવાથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.
ગઇકાલે શહેર પોલીસ કમિશનરે વડોદરા-કરજણ હાઇવેની સમસ્યાના ઉકેલ માટે નેશનલ હાઇવે ઓથોરિટી,કોર્પોરેશન, આરએન્ડબી,આરટીઓ જેવા વિભાગોને સાથે રાખી ઇન્સ્પેક્શન કર્યા બાદ શોર્ટટર્મ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.આવી જ રીતે આજે જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ અને ડીસીપી પન્ના મોમાયાની આગેવાની હેઠળ પોલીસ કાફલાએ તમામ વિભાગોના અધિકારીઓને સાથે રાખી ગોલ્ડન ચોકડી પાસેના ૧૫૦થી વધુ દબાણોનો સફાયો કરાવ્યો હતો.
ડીસીપીએ કહ્યું હતું કે,ત્રણ ટ્રક ભરીને સામાન બહાર લઇ જવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
દબાણો દૂર કરવા પોલીસને કોર્પોરેશન પર દબાણ કરવું પડયું
ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૃપ દબાણો વાળી જગ્યા નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ આવતી હતી.જેથી કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં આ કામગીરી આવતી નહતી.પરંતુ પોલીસે દબાણો દૂર કરવા માટે કોર્પોરેશનને મદદ કરવા માટે દબાણ કરતાં તેમણે મશીનરી અને સ્ટાફ ફાળવ્યા હતા.
હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ત્રણ કલાક મોડા આવ્યા
ગોલ્ડન ચોકડીની આસપાસના દબાણો થયા હતા તે જગ્યા નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ આવતી હોવા છતાં દબાણો દૂર કરવાની કામગીરી વખતે તેના અધિકારીઓ ત્રણ કલાક મોડા આવ્યા હતા.દબાણો તોડવાની કામગીરી માટે પોલીસ અધિકારીઓ,કોર્પોરેશન સહિતનો કાફલો સવારે ૯ વાગે જ સ્થળ પર આવી ગયો હતો.જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમની રાહ જોયા વગર કામગીરી શરૃ કરી દીધી હતી.